Gandhinagar News: ગાંધીનગર જિલ્લામાં દહેગામ તાલુકાના અંગુથલા ગામની સીમમાંથી ચાર દિવસ પહેલા મળી આવેલી નવજાત બાળકીના મોતનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ઘટનામાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે, 21 વર્ષીય પરીણિત જનેતાએ જ પોતાના 32 વર્ષીય પરિણીત પ્રેમી સાથેના અનૈતિક સબંધોથી જન્મેલી માસૂમ બાળકીનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. અને બાળકીને મૃત સમજીને ખાડામાં ફેંકી દીધી હતી. દહેગામ પોલીસે હત્યારા પ્રેમી જોડાની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.
પીએમ રિપોર્ટમાં હત્યાનું રહસ્ય ખુલ્યું
મળતી વિગત મુજબ, અંગુથલા ગામમાં એક ખેડૂતને ગોચરના ઝાડી ઝાંખરામાં એક ખાડામાંથી રડતી હાલતમાં નવજાત બાળકી 14 નવેમ્બરના રોજ રડતી હાલતમાં મળી આવી હતી. જ્યારે ઘટનાની જાણ સરપંચને થઈ તો તેઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે બાળકીને હોસ્પિટલ ખાતે ખસેડી હતી. જ્યાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે સાંજે બાળકીનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ઘટનાની જાણ દહેગામ પોલીસને થઈ તો પોલીસે બાળકીનું પીએમ કરાવતાં રહસ્ય પરથી પડદો ઉંચકાયો હતો. પીએમ રિપોર્ટમાં બાળકીનું મોત ગળુ દબાવવાથી થયું હોવાનું ખુલ્યું હતું
પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો
પીએમ રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ તેજ કરી હતી પોલીસ તપાસમાં ગામની જ 21 વર્ષીય કલ્પા સોલંકી અને તેના પ્રેમી કાળાજી સોલંકીની સંડોવણી સામે આવી હતી. પોલીસે જ્યારે આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરી ત્યારે સમગ્ર હકીકત સામે આવી હતી. જેમાં પરીણિતાના લગ્ન 5 વર્ષ પહેલા થયેલા હતા. પરંતુ પતિ સાથે મનમેળ ન હોવાથી તે પિયરે રહેતી હતી. જ્યારે બીજી બાજુ તેના પ્રેમી કાળાજીની પત્ની પણ પિયરે જતી રહી હતી. છેલ્લા ચાર વર્ષથી બંને વચ્ચે પ્રેમ સંબંધ ચાલતો હતો.
સંબંઘ દરમિયાન ગર્ભ રહી ગયો
આ સંબંધ દરમિયાન પરીણિતાને બે વાર ગર્ભ રહી ગયો હતો. જેનો બે વાર ગર્ભપાત કરીને નિકાલ કર્યો હતો. ત્રીજો ગર્ભ જ્યારે રહ્યો ત્યારે લાંબો સમય વીતી ગયો હોવાથી પ્રેમીએ આપેલી દવાઓથી ગર્ભપાત થયો નહીં. સમાજમાં બદનામીના ડરે યુવતીએ પરિવારને પણ અન્ય દુખાવાનું બહાનુ બતાવીને ગર્ભાવસ્થા છુપાવી હતી. 14 નવેમ્બરના રોજ પ્રસૂતિ પીડા ઉપડતાં પરિણીતા કુદરતી હાજતે જવાનું કહીને પ્રેમી પાસે ગામની સીમમાં પહોચી હતી. જ્યાં તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો.
પોતાનું પાપ છુપાવવા જનેતાએ બાળકીનું ગળું દબાવી દીધું હતુ. બંનેએ ગર્ભનાળ કાપી, બાળકી મરી ગઈ હોવાનું માની તેને ખાડામાં ફેકી હતી. જોકે, સવારે બાળકી જીવિત મળી આવી હતી, પરંતુ ગળું દબાવવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં સાંજે તેણે દમ તોડ્યો હતો.
