Gandhinagar: ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવામાં પશુપાલન ક્ષેત્ર એક મહત્વપૂર્ણ આધારસ્તંભ પુરવાર થઈ રહ્યું છે, ત્યારે પશુપાલન ક્ષેત્રના વિકાસને વેગ આપવા માટે ગૌ સંવર્ધન થકી પશુઓનું દૂધ ઉત્પાદન વધારવું ખૂબ જ જરૂરી છે, જે દિશામાં ગુજરાતે આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિઓનો સુયોગ્ય ઉપયોગ કર્યો છે.
દૂધ ઉત્પાદન વધારવાની દિશામાં રાજ્ય સરકારે અપનાવેલી કૃત્રિમ બીજદાન પદ્ધતિ 'ગેમ ચેન્જર' બની છે. કૃત્રિમ બીજદાન પદ્ધતિના પરિણામે દૂધ ઉત્પાદન સાથે પશુઓની ઓલાદમાં પણ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
રાજ્ય સરકારે હવે પશુપાલન ક્ષેત્રમાં વધુ એક ક્રાંતિકારી ટેકનોલોજી 'સેક્સ સોર્ટેડ સીમેન' અમલમાં મૂકી છે. અગાઉ કૃત્રિમ બીજદાન સમયે સામાન્ય 'ફ્રોઝન સીમેન' આપવામાં આવતું હતું, જેનાથી આશરે 50 ટકા નર અને 50 ટકા માદા બચ્ચાનો જન્મ થતો હતો. અત્યારે સેક્સ સોર્ટેડ સીમેન વડે કૃત્રિમ બીજદાન કરવાથી પશુઓ લગભગ 85 થી 90 ટકા માદા બચ્ચાને અને માત્ર 10 થી 15 ટકા જ નર બચ્ચાને જન્મ આપે છે.
આ પણ વાંચો
ગુજરાત સરકારે પશુપાલન ખાતા મારફતે વર્ષ 2022-23થી સેક્સ સોર્ટેડ સીમેન દ્વારા કૃત્રિમ બીજદાનની શરૂઆત કરી હતી. સેક્સ સોર્ટેડ સીમેનના એક ડોઝ માટે શરૂઆતમાં પશુપાલકો પાસેથી રૂ. 300 સેવા ફી લેવામાં આવતી હતી. રાજ્ય સરકારની આ સેવા હેઠળ વર્ષ 2022-23માં 25,746 પશુઓને અને વર્ષ 2023-24માં 25,620 પશુઓને સેક્સ સોર્ટેડ સીમેનના ડોઝ આપવામાં આવ્યા હતા.
વર્ષ 2024માં રાજ્ય સરકારે પશુપાલકોના હિતમાં નિર્ણય કરીને આ સેવા ફીમાં રૂ. 250નો અભૂતપૂર્વ ઘટાડો કર્યો હતો અને માત્ર રૂ. 50 પ્રતિ ડોઝ ફી નિયત કરી હતી. જેના પછી સેક્સ સોર્ટેડ સીમેન થકી કૃત્રિમ બીજદાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. વર્ષ 2024-25માં 1,30,925 પશુઓને તેમજ ચાલુ વર્ષે ઓક્ટોબર માસ સુધીમાં 1,00,178 પશુઓને સેક્સ સોર્ટેડ સીમેનના ડોઝ આપવામાં આવ્યા છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સેક્સ સોર્ટેડ સીમેન દ્વારા થયેલા કૃત્રિમ બીજદાન સામે ગાભણ થયેલા અને વિયાણ થયેલા પશુઓમાંથી 94 ટકા પશુઓએ માદા બચ્ચાંને જન્મ આપ્યો છે, જે સેક્સ સોર્ટેડ સીમેન ટેકનોલોજીની કાર્યક્ષમતાનો જીવંત પુરાવો છે.
સેક્સ સોર્ટેડ સીમેન ટેકનોલોજીના વ્યાપક ઉપયોગથી નર બચ્ચાંની સંખ્યા ઘટશે, પરિણામે ગેરકાયદેસર કતલ અને રખડતા પશુઓની સમસ્યામાં પણ ઘટાડો થશે. આ ઉપરાંત ટૂંકા સમયમાં વધુ માદા બચ્ચાં મળવાથી દૂધ ઉત્પાદનમાં વૃદ્ધિ થશે, વધારાની વાછરડી/પાડી વેચીને પશુપાલકોની આવકમાં વધારો થશે, પશુઓની ઓલાદમાં જનેટિક સુધારો થશે તેમજ વિયાણ અને સંભાળ સંબંધિત મુશ્કેલીઓ પણ ઘટશે.
ભારત સરકારના રાષ્ટ્રીય ગોકુલ મિશન હેઠળ ગુજરાતના ફ્રોઝન સીમેન સ્ટેશન – પાટણ ખાતે સેક્સ સોર્ટેડ સીમેન ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે રૂ. 47.50 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. જેની સહાયતાથી સેક્સ સોર્ટેડ સીમેનના પૂરતા ડોઝ ગુજરાતના પશુપાલકોને પરવડે તેવી કિંમતે રાજ્યમાં જ ઉપલબ્ધ થશે.
