ગુજરાતના વૈજ્ઞાનિકોની ક્રાંતિકારી શોધ, માછલીમાંથી બનાવ્યું ઘા રૂઝવતું ‘હાઈડ્રોજેલ’; 10 મિનિટમાં અટકાવશે રક્તસ્ત્રાવ

IIT ગાંધીનગર, નિરમા યુનિવર્સિટી અને NIPER અમદાવાદના સંશોધકોએ આ સંયુક્ત સંશોધન કર્યું છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 25 Aug 2026 08:40 AM (IST)Updated: Tue, 25 Aug 2026 08:40 AM (IST)
fish-dna-hydrogel-research-wound-healing-iit-gandhinagar-nirma-university-niper
AI Generated Image

Fish DNA Hydrogel Research: ગુજરાતના વૈજ્ઞાનિકોએ તબીબી ક્ષેત્રે અત્યંત મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી સંશોધન કર્યું છે. IIT ગાંધીનગર, નિરમા યુનિવર્સિટી અને અમદાવાદ NIPER ના સંશોધકોએ સંયુક્ત સંશોધન દ્વારા માછલીના કચરામાંથી ઘા રૂઝવતું અદભુત ‘હાઈડ્રોજેલ’ તૈયાર કર્યું છે. આ હાઈડ્રોજેલ માનવ શરીરમાં થતા ગંભીર રક્તસ્ત્રાવને માત્ર 10 મિનિટથી પણ ઓછા સમયમાં અટકાવી શકે છે અને કોષોને થતા નુકસાનને પણ રોકી શકે છે.

પટ્ટી કે બેન્ડેજની મર્યાદાઓનો શ્રેષ્ઠ ઉકેલ

મોટાભાગે શરીરમાં વાગ્યા પછી લોહી વહેતું અટકાવવા માટે સાદી પટ્ટી કે બેન્ડેજનો ઉપયોગ કરવામાં આવે છે. આ પટ્ટીઓ લોહી વહેતું તો અટકાવે છે, પરંતુ ઘા રૂઝાયા બાદ જ્યારે તેને ત્વચા પરથી ખેંચીને દૂર કરવામાં આવે છે, ત્યારે નવી બનેલી નાજુક ત્વચા પણ સાથે ખેંચાઈ જાય છે. આ કારણથી જ ઘામાંથી ફરી રક્તસ્ત્રાવ શરૂ થવાનું જોખમ રહે છે. આ ગંભીર તબીબી સમસ્યાને કાયમી ધોરણે દૂર કરવા માટે સંશોધકોએ DNA આધારિત હાઈડ્રોજેલ વિકસાવ્યું છે, જે રક્તસ્ત્રાવ રોકવાની સાથે ઘાને પણ ઝડપથી રૂઝાવવામાં મદદરૂપ બને છે.

માછલીમાંથી કેવી રીતે બન્યું અદભુત જેલ?

વૈજ્ઞાનિકોએ આ જેલ બનાવવા માટે ખૂબ જ અનોખી પદ્ધતિ અને સામગ્રીનો ઉપયોગ કર્યો છે. જેની મુખ્ય સામગ્રીમાં માછલીના પ્રોસેસિંગ ઉદ્યોગમાંથી નીકળતા નકામા કચરામાંથી વૈજ્ઞાનિકોએ DNA મેળવ્યું અને તેનો ઉપયોગ જેલ બનાવવાના મુખ્ય આધાર તરીકે કર્યો.

જે બાદ આ DNA માં 'સ્પર્મિડાઈન' (Spermidine) નામનો કુદરતી ઘટક ઉમેર્યો હતો. આ ઘટક DNA તંતુઓને એકબીજા સાથે મજબૂતીથી જોડીને જેલનું એક વિશિષ્ટ માળખું બનાવે છે. આ પ્રક્રિયાથી જેલની અંદર અસંખ્ય નાના છિદ્રોવાળી કુદરતી જાળ જેવી રચના તૈયાર થાય છે, જે શરીરમાં લોહી ગંઠાઈ જવાની કુદરતી પ્રક્રિયાથી પ્રેરિત છે.

કોઈપણ ઘા પર આ હાઈડ્રોજેલ લગાવતાની સાથે જ આ છિદ્રોવાળી જાળ લોહીના પ્લેટલેટ્સ અને લાલ રક્તકણોને (RBCs) ઝડપથી પોતાની અંદર જકડી રાખે છે, જેના કારણે લોહી ઝડપથી ગંઠાઈ જાય છે અને વહેતું લોહી તરત અટકે છે.

પ્રયોગોમાં મળ્યા અસાધારણ પરિણામો

વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા પ્રયોગો દરમિયાન આ હાઈડ્રોજેલના અત્યંત હકારાત્મક પરિણામો જોવા મળ્યા છે.

લોહીની ગાંઠમાં ઘટાડો: આ જેલના ઉપયોગથી લોહીમાં બિનજરૂરી ગાંઠ પડવાની શક્યતામાં 86 ટકા જેટલો જંગી ઘટાડો નોંધાયો છે.

સોજા અને નુકસાનમાં રાહત: જેલ લગાવ્યા પછી તે ધીમે-ધીમે ઓગળે છે અને તેમાંથી કુદરતી ઘટકો બહાર આવે છે, જે ત્વચા પરના સોજા અને આસપાસના કોષોને થતા નુકસાનને અટકાવે છે.

સ્થિરતા અને ભેજ: ઉંદર પર કરવામાં આવેલા પરીક્ષણમાં આ જેલ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 24 દિવસ સુધી સ્થિર રહ્યું અને ઘા પર સતત ચાર દિવસ સુધી જરૂરી ભેજ જાળવી રાખવામાં સફળ રહ્યું હતું. આના કારણે વારંવાર પાટો કે પટ્ટી બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળી શકે છે.

ઝડપી રિકવરી: માત્ર 6 ટકા DNA-સ્પર્મિડાઈન ફોર્મ્યુલેશનના ઉપયોગથી માત્ર 3 દિવસમાં ઘાનો 33 ટકા ભાગ સાજો થઈ ગયો હતો, જ્યારે કોઈપણ સારવાર વગરના ઘામાં આ સુધારો માત્ર 10 ટકા જ હતો.

આ સિવાય પ્રયોગ દરમિયાન ઘા પર નવી નસો, નવી ત્વચાની પુનઃરચના અને વાળના નવા મૂળ બનવાના પણ સ્પષ્ટ વૈજ્ઞાનિક સંકેત મળ્યા છે. ગુજરાતના વૈજ્ઞાનિકોની આ અનોખી સ્વદેશી શોધ આગામી સમયમાં તબીબી સારવાર અને સર્જરી દરમિયાન થતા લોહીના બગાડને અટકાવવામાં ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.