Surendranagar Land Scam: સુરેન્દ્રનગરના જમીન એનએ કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ED દ્વારા તત્કાલિન જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર પટેલની સઘન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. રાજેન્દ્ર પટેલની તેમના નિવાસ્થાને મોડી રાતથી વહેલી સવાર સુધી સઘન પછપરછ કરવામાં આવી હતી. જેમાં ઇડીની ત્રણ ટીમો જોડાઇ હતી. નોંધનીય છેકે, ગત 23 ડિસેમ્બર 2025ના રોજ પાડવામા આવેલા દરોડામાં અને મહત્વપૂર્ણ દસ્તાવેજો તપાસ એજન્સીના હાથે લાગ્યા હતા. ત્યારબાદ તપાસનો દોર તેજ કરવામાં આવ્યો હતો.
નિવાસ્થાને સઘન પૂછપરછ બાદ ED દ્વારા તત્કાલિક કલેક્ટરની ધરપકડ
પ્રાપ્ત માહિતી અનુસાર, 23 ડિસેમ્બર, 2025ના રોજ EDની ત્રણ ટીમોએ સુરેન્દ્રનગર કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. દરોડાના પગલે બપોર સુધીમાં જ EDના અધિકારીએ ACB (ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો) સુરેન્દ્રનગરમાં તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્ર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર ઓફિસના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના અંગત મદદનીશ જયરાજસિંહ ઝાલા સામે લાંચ-રુશ્વત વિરોધી ધારા હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ ઘટના બાદ તરત જ કલેક્ટર રાજેન્દ્ર પટેલની બદલી કરી દેવામાં આવી હતી. ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને સઘન પૂછપરછ બાદ ED દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
નાયબ મામલતદાર પાસેથી 67.50 લાખની રોકડ રકમ મળી આવી હતી
આ કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો 23 ડિસેમ્બરે થયો હતો, જ્યારે દિલ્હી ખાતે આવેલી EDની સ્પેશિયલ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના નાયબ મામલતદાર ચંદ્રસિંહ ભૂપતસિંહ મોરીના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. PMLAની કલમ 17 હેઠળ હાથ ધરવામાં આવેલી સર્ચ કાર્યવાહી દરમિયાન તેમના બેડરૂમમાંથી છુપાવેલી ₹67.50 લાખની રોકડ રકમ મળી આવી હતી, જેને EDએ તાત્કાલિક જપ્ત કરી હતી. ચંદ્રસિંહ મોરીએ 23 ડિસેમ્બર, 2025ના રોજ PMLAની કલમ 17 હેઠળ નોંધાયેલા તેમના નિવેદનમાં સ્વીકાર્યું હતું કે આ જપ્ત કરાયેલી રોકડ રકમ જમીનના હેતુફેરની અરજીઓના ઝડપી અથવા સાનુકૂળ નિકાલ માટે અરજદારો પાસેથી સીધી રીતે અથવા વચેટિયાઓ દ્વારા માંગવામાં આવેલી અને એકઠી કરાયેલી લાંચની રકમ છે.
ચોરસમીટર દીઠ ₹10ના ભાવથી લાંચ આવતી હોવાની કરી હતી કબૂલાત
જમીનની ફાઇલ ક્લિયર કરવા માટે ચોરસમીટર દીઠ ₹10ના ભાવથી લાંચ લેવામાં આવતી હોવાની વાત ચંદ્રસિંહ મોરીએ ED સમક્ષ કબૂલી હતી. ચંદ્રસિંહની પ્રિમાઇસિસરમાંથી મળેલા દસ્તાવેજોમાં ₹1 કરોડની લાંચ લીધા હોવાના પુરાવા પણ EDને મળ્યા છે. EDને સર્ચ દરમિયાન એક અત્યંત મહત્ત્વપૂર્ણ પ્રિન્ટેડ શીટ મળી આવી હતી, જેમાં ઓનલાઈન અરજીનો નંબર, જમીનની વિગત, સર્વે નંબર અને અરજીના પ્રકારની વિગતો હતી. આ ઉપરાંત, કયા અરજદાર પાસેથી કેટલી લાંચ લેવામાં આવી તેની પણ વિગતો સ્પષ્ટપણે દર્શાવેલી હતી. આ શીટમાં વચેટિયાઓ અને કમિશન એજન્ટના નામ પણ સામેલ હતા.
આયોજનબદ્ધ રીતે NA કૌભાંડ ચલાવાતું હતું
આ લાંચની રકમ 'સ્પીડ મની'ના માધ્યમથી અરજી વિલંબિત રાખ્યા વિના કામ કરી આપવા માટે લેવાતી હતી. આયોજનબદ્ધ રીતે NA કૌભાંડ ચલાવાતું હતું, જેમાં વચેટિયાઓ અને કમિશન એજન્ટોની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી, જેઓ અરજદારો પાસેથી રકમ એકઠી કરીને અધિકારીઓ સુધી પહોંચાડતા હતા. ચંદ્રસિંહ મોરીએ કરેલી કબૂલાતમાં જિલ્લા કલેક્ટર રાજેન્દ્ર મહેન્દ્રભાઈ પટેલ, કલેક્ટરના ક્લાર્ક મયૂર ગોહિલ અને કલેક્ટરના પીએ જયરાજસિંહ ઝાલા આ કૌભાંડમાં સીધી રીતે સામેલ હોવાનું અને લાંચના નાણાંમાં ભાગીદાર હોવાનું સ્વીકાર્યું છે.
EDની તપાસમાં સુરેન્દ્રનગરમાં સોલર પ્લાન્ટ માટે મોટા પાયે થયેલા જમીન સંપાદનનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. કલેક્ટર રાજેન્દ્ર પટેલે સત્તા સંભાળ્યા બાદ નળસરોવર, ધ્રાંગધ્રાના માલવાણ, લખતરના તલસાણા અને પાટડી જેવા વિસ્તારોમાં મોટા પાયે જમીન સંપાદન થયું હતું. તપાસ એજન્સીને એવી પણ માહિતી મળી હતી કે કલેક્ટર જે ફાઇલોનો વહીવટ કરવાનો હોય તે ઘરે લઈ જતા હતા. EDની ટીમે કલેક્ટરના બંગલામાંથી 100 જેટલી ફાઇલો જપ્ત કરી છે.
આ સમગ્ર તપાસનું કેન્દ્રબિંદુ કલેક્ટર, નાયબ મામલતદાર, કલેક્ટરના પીએ, ક્લાર્ક અને એક હાઈકોર્ટના વકીલ સહિત પાંચ વ્યક્તિના નિવાસસ્થાનો હતા, જ્યાં 24 ડિસેમ્બર, 2025ના રોજ વહેલી સવારથી રાત સુધી સઘન પૂછપરછ ચાલી હતી. ₹1500 કરોડના આ કૌભાંડની વધુ વિગતો અને તેમાં સંડોવાયેલા અન્ય લોકોના નામ આગામી સમયમાં બહાર આવે તેવી શક્યતા છે.
