DDO Conference: ગાંધીનગર ખાતે પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં DDO કોન્ફરન્સ યોજાઈ

જનતાને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે જન્મ-મરણની ઓનલાઈન નોંધણીમાં આવતી ટેકનિકલ ખામીઓને સત્વરે દૂર કરવા પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી

By: Nilesh ZinzuwadiaEdited By: Nilesh Zinzuwadia Publish Date: Sat 03 Jan 2026 11:02 PM (IST)Updated: Sat 03 Jan 2026 11:02 PM (IST)
ddo-conference-held-in-gandhinagar-under-the-chairmanship-of-panchayat-and-rural-housing-minister-hrishikesh-patel-667578

DDO Conference: ગુજરાતના પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લા વિકાસ અધિકારીઓ (DDO) અને નિયામકઓની એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પંચાયત મંત્રી તેમજ પંચાયત, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ ગ્રામીણ સ્તરે ચાલી રહેલી વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી તેને વેગ આપવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠક દરમિયાન પંચાયત મંત્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, જિલ્લાના આયોજનની ગ્રાન્ટમાંથી સવા ગણું એટલે કે, 125 ટકા આયોજન કરવું, જેથી કોઈ કામ રદ થાય તો અન્ય કામો તુરંત હાથ ધરી શકાય. વધુમાં મંત્રીએ જિલ્લાના સરકારી મકાનો પર સ્માર્ટ મીટર અને સોલર રૂફટોપ લગાવવાની પ્રાથમિકતા પર ભાર મૂક્યો હતો.

ગ્રામીણ વિસ્તારોમાં રોડ, પાણી અને ગટરના કામોની સમીક્ષા કરતા તેમણે જણાવ્યું હતું કે, ટુકડે-ટુકડે ગટર બનાવવાને બદલે એક સંકલિત ગટર વ્યવસ્થા ઊભી કરવી.

વહીવટી તંત્રને વધુ પારદર્શી બનાવવા માટે મંત્રીએ 'ઈ-સરકાર' એપ્લિકેશનના ફરજિયાત અમલીકરણ અને પડતર ફાઈલોના ત્વરિત નિકાલ માટે બેઠકમાં આદેશો આપ્યા હતા. વધુમાં, સીડીપી-5 યોજના અંતર્ગત બાકી રહેલા ગ્રામ પંચાયત ભવનો અને રાજીવ ગાંધી ભવનની દરખાસ્તો વહેલી તકે પૂર્ણ કરવા પણ મંત્રીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત, જનતાને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે જન્મ-મરણની ઓનલાઈન નોંધણીમાં આવતી ટેકનિકલ ખામીઓને સત્વરે દૂર કરવા પણ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જૂથ ગ્રામ પંચાયતોનું વિભાજન,નવા પંચાયત ઘરનું નિર્માણ અને પાણી પુરવઠા યોજનાઓ જેવી ધારાસભ્યઓ અને પદાધિકારીઓ તરફથી મળેલી વિવિધ રજૂઆતોની સમીક્ષા કરવામાં આવી હતી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલી ગ્રામ પંચાયતો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકના વિસ્તારોમાં પાયાની માળખાગત સુવિધાઓ વધુ સુદ્રઢ કરવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત બેઠકમાં મંત્રીએ રાજ્યની અને કેન્દ્ર સરકારની વિવિધ આવાસ યોજના માટે ગામતળ અને પ્લોટની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરી હતી. સાથે જ તેમણે ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની જિલ્લામાં આવેલી ખુલ્લી જમીનો પર દબાણ ન થાય અને નાગરિકોને અફોર્ડેબલ હાઉસિંગ સુવિધા પૂરી પાડવા બાબતે પણ સમીક્ષા કરવામાં આવી હતી.