દહેગામમાં પ્રેમસંબંધની અદાવતમાં યુવકનું કારમાં અપહરણ, કેનાલમાં ફેંકી દીધાની આશંકાએ 4 શખસ સકંજામાં, શોધખોળ ચાલુ

દહેગામમાં કૌટુંબિક પ્રેમસંબંધના વિવાદમાં ભરત નામના યુવકનું અપહરણ કરી બહિયલ કેનાલમાં ફેંકી દેવાયાની શંકા. પોલીસે 4 શખસોને દબોચી શોધખોળ શરૂ કરી.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Sun, 16 Aug 2026 07:10 PM (IST)Updated: Sun, 16 Aug 2026 07:10 PM (IST)
dahegam-abduction-youth-thrown-in-canal-over-love-affair

Dahegam Crime: ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં 15 ઓગસ્ટના રોજ ધોળા દિવસે બનેલી અપહરણની સનસનાટીભરી ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. પંકજ સોસાયટી પાસે આશાદીપ બંગલા નજીક રોડ પરથી સફેદ અલ્ટો કારમાં આવેલા ચાર શખસોએ ભરત નામના યુવકને બળજબરીથી ઉપાડી લીધો હતો. આ સમગ્ર ગુનાહિત કાવતરા પાછળ કૌટુંબિક પ્રેમસંબંધ અને અદાવત મુખ્ય કારણ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

સીસીટીવી અને ગાડીના નંબરથી મળ્યો સુરાગ

ઘટનાની જાણ થતાં જ અપહ્યુતના પરિવારે વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળેથી ભરતની ચંપલ મળી આવી હતી. સરકારી ગોડાઉન અને ગાયત્રી મંદિર નજીકના CCTV ફૂટેજ ચકાસતાં કાળી કાર (GJ 09 BB 5499)માં વાસણા સોગઠી ગામનો કિરણસિંહ ખોડસિંહ ચૌહાણ પોતાના ત્રણ સાગરીતો સાથે યુવકને ઢસડીને બેસાડતો નજરે પડ્યો હતો.

ઠપકો આપવાની અદાવતમાં રચાયું કાવતરું

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં વિગતો ખુલી છે કે ભરતભાઈના નાના ભાઈની પત્નીને કિરણસિંહ ચૌહાણ સાથે અફેર હતું. થોડા દિવસ પહેલાં તે કિરણસિંહ સાથે જતી રહી હોવાથી ભરતે આ બાબતે સખત ઠપકો આપ્યો હતો. આ તકરાર બાદ પરિણિતા પિયર ચાલી ગઈ હતી. આ જ બાબતનું વેર રાખીને કિરણસિંહે પોતાના મિત્રો સાથે મળીને ભરતને રસ્તામાંથી હટાવવાનો ખતરનાક પ્લાન ઘડ્યો હતો.

કેનાલમાં ફેંકી દીધાની આશંકા, તરવૈયા મેદાને

દહેગામ પોલીસ મથકના પીઆઈ આર.એલ. ગોયલના જણાવ્યા મુજબ, ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે મોડી રાત્રે જ મુખ્ય આરોપી કિરણસિંહ સહિત તમામ 4 શખસોને રાઉન્ડઅપ કરી લીધા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ સ્વીકાર્યું હતું કે તેઓ ભરતને કારમાં બહિયલ પાસે આવેલી અપ્રૂજી કેનાલ નજીક લઈ ગયા હતા અને ત્યાં તેને કેનાલમાં ફેંકી દીધો હતો. ઘટના વખતે કિરણસિંહ સિવાયના ત્રણ આરોપીઓ નશામાં હોવાનું પણ સામે આવ્યું છે. હાલમાં પોલીસ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા કેનાલના ઊંડા પાણીમાં યુવકની સઘન શોધખોળ ચલાવવામાં આવી રહી છે.