Gandhinagar News: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષના પ્રથમ દિવસનો પ્રારંભ ગાંધીનગર ના પંચદેવ મંદિરમાં ભક્તિભાવ પૂર્વક દર્શન પૂજનથી કર્યો. મુખ્યમંત્રીએ આ અવસરે સૌ નાગરિકોના સુખ સમૃદ્ધિ અને આરોગ્ય મય જીવનની પ્રાર્થના કરી હતી અને મંદિર પરિસરમાં દર્શનાર્થીઓનું અભિવાદન ઝીલી નવા વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ અવસરે ગાંધીનગરના મેયર રૂપસિંહ ઠાકોર, ધારાસભ્ય રીટા બહેન પટેલ , શહેર સંગઠન પ્રમુખ ડો. આશિષ દવે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મહેન્દ્ર ભાઇ અને પદાધિકારીઓ પણ જોડાયા હતા.
વિકસિત અને નશામુક્ત ગુજરાતનો સંકલ્પ
નાગરિકોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'વિકસિત ભારત' અને 'નશામુક્ત ભારત'ના સંકલ્પને સાકાર કરવા સૌનો સહયોગ જરૂરી છે. તેમણે દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સારું રહે તેવી કામના સાથે વિકસિત અને નશામુક્ત ગુજરાતના સંકલ્પ સાથે આગળ વધવા આહ્વાન કર્યું હતું.
કેન્દ્રીય મંત્રી અમિત શાહની શુભેચ્છા મિલન
સુરત ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું શુભેચ્છા મિલન યોજાશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહેશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ ખાતેના પોતાના નિવાસસ્થાને ભાજપના નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે નૂતન વર્ષાભિનંદન કરી સ્નેહ મિલનનું આયોજન કરશે.
અડાલજ ત્રિમંદિરે જઈ કર્યા દર્શન
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિક્રમ સવંત 2083ના નૂતન વર્ષ પ્રથમ દિવસે અડાલજ ત્રિમંદિરમાં જઈને સીમંધર સ્વામી તથા અન્ય દેવ દેવીઓના દર્શન પૂજન કર્યા હતા તેમજ પૂજ્ય નીરૂમાં અને દાદા ભગવાન સમક્ષ શીશ ઝુકાવી સૌના કલ્યાણ અને આરોગ્ય સુખાકારી તથા રાજ્યના અવિરત વિકાસ ની પ્રાર્થના કરી હતી મુખ્યમંત્રી ત્રિમંદિર માં ઉપસ્થિત દાદા ભગવાન પરિવારના અનુયાયી શ્રદ્ધાળુઓ ને પણ મળ્યા હતા અને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી
