CM ભૂપેન્દ્ર પટેલના US પ્રવાસનો પ્રારંભ; સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે યોજી બેઠક, વાયબ્રન્ટ ગુજરાત 2027નું આપ્યું આમંત્રણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી સમુદાય સાથે બેઠક યોજી US પ્રવાસના શ્રીગણેશ કર્યા. AI, સેમિકન્ડક્ટર ક્ષેત્રે સહયોગ વધારવા અને વાયબ્રન્ટ ગુજરાત 2027 માટે આપ્યું નિમંત્રણ.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 17 Aug 2026 04:31 PM (IST)Updated: Mon, 17 Aug 2026 04:52 PM (IST)
cm-bhupendra-patel-begins-his-us-visit-holds-a-meeting-with-the-gujarati-community-in-san-francisco-and-extends-an-invitation-for-vibrant-gujarat-2027

Bhupendra Patel US Tour: વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027 માટે રોકાણકારોને આકર્ષવા અને NRI ગુજરાતીઓ સાથે ટેક્નોલોજીકલ સહયોગ વધારવાના હેતુથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યુએસ-કેનેડાના સાપ્તાહિક પ્રવાસે પહોંચ્યા છે.

સાન ફ્રાન્સિસ્કોમાં દબદબાભેર સ્વાગત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુએસના સાન ફ્રાન્સિસ્કોમાં વસતા વિશાળ ગુજરાતી ડાયસ્પોરા સાથે બેઠક અને ભાવાત્મક સંવાદ યોજીને પોતાના સત્તાવાર યુએસ પ્રવાસના શ્રીગણેશ કર્યા હતા. આગામી ‘વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર સમિટ-2027’માં યુએસ અને કેનેડાના ઉદ્યોગ-રોકાણકારો સહભાગી થાય તથા ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થાપે તે માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી એક ઉચ્ચસ્તરીય ડેલિગેશન સાથે આ પ્રવાસે છે.

‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો સંકલ્પ

ગુજરાતની પ્રભાવક વૈશ્વિક વિકાસગાથા રજૂ કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્ર સાથે ગુજરાતે દેશના સર્વગ્રાહી વિકાસમાં ‘ગ્રોથ એન્જિન’ તરીકે સ્થાન મેળવ્યું છે. વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત-2047’ના સ્વપ્નને સાકાર કરવામાં ‘વિકસિત ગુજરાત-2047’ અગ્રણી ભૂમિકા ભજવશે.

ન્યૂ-એજ સેક્ટર્સમાં ગુજરાત બનશે ગ્લોબલ હબ

ગુજરાત આગામી સમયમાં સેમિકન્ડક્ટર, AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ), ડેટા સેન્ટર અને બાયોટેક્નોલોજી જેવા ન્યૂ-એજ સેક્ટર્સમાં ગ્લોબલ હબ બનવા જઈ રહ્યું છે. વાયબ્રન્ટ સમિટ-2027 આ ક્ષેત્રે વૈશ્વિક રોકાણ લાવવા માટે વધુ એક સક્ષમ પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરીને તેમણે સાન ફ્રાન્સિસ્કોના ગુજરાતી ઉદ્યોગસાહસિકોને આ સમિટમાં જોડાવવા આહ્વાન કર્યું હતું.

સિલિકોન વેલીના ગુજરાતીઓની સરાહના અને ટેક-સેતુ

સિલિકોન વેલીમાં સેમિકન્ડક્ટર અને AI ક્ષેત્રે ગુજરાતીઓના નોંધપાત્ર યોગદાનને બિરદાવતા મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, રાજ્ય સરકાર વૈશ્વિક પ્રતિભાઓ અને ગુજરાતના સ્થાનિક ઉદ્યોગો વચ્ચે એક સુદ્રઢ ‘ટેક્નોલોજીકલ સેતુ’ બનાવવા માંગે છે. આનાથી નોલેજ શેરિંગ, ટેક્નોલોજી સહયોગ અને માર્ગદર્શનની નવી તકો ઊભી થશે.

સંસ્કૃતિ અને ભાષા જાળવવા બદલ આભાર

વતનથી હજારો કિલોમીટર દૂર વસતા હોવા છતાં ગુજરાતી ભાષા, તહેવારો અને સંસ્કારોને જીવંત રાખવા બદલ તેમણે NRI પરિવારોનો આભાર માન્યો હતો. તેમણે ઈનોવેશન ઈકોસિસ્ટમ દ્વારા શક્તિશાળી અને સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં યોગદાન આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે મુખ્ય સચિવ એમ. કે. દાસ, ગુજરાત ડેલિગેશનના વરિષ્ઠ સચિવો અને પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં ગુજરાતી ડાયસ્પોરા ઉપસ્થિત રહ્યા હતા.