પંચાયત અને મહેસૂલી તલાટીઓ વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી, પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે લીધો મોટો નિર્ણય, વહીવટી પ્રક્રિયા બનશે વધુ સરળ

ગુજરાત સરકારે પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની વહેંચણી કરી જોબ ચાર્ટ જાહેર કર્યો છે. જાણો કોના કાર્યક્ષેત્રમાં કયા કામોનો સમાવેશ થાય છે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Mon, 17 Aug 2026 07:24 PM (IST)Updated: Mon, 17 Aug 2026 07:24 PM (IST)
clear-division-of-duties-between-panchayat-and-revenue-talatis-panchayat-minister-rushikesh-patel-takes-a-major-decision-administrative-processes-will-become-smoother

Gujarat News: ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય સ્તરે વહીવટી સરળતા, સુગમતા અને નાગરિકોની સુવિધા સુનિશ્ચિત કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે ગાંધીનગરથી વિગતો આપતાં જણાવ્યું હતું કે, મહેસૂલી તલાટી અને પંચાયત તલાટી-કમ-મંત્રીની કામગીરી તથા જવાબદારીઓ અંગે લાંબા સમયથી ચાલી રહેલી વિચારણાના અંતે રાજ્ય સરકાર દ્વારા બંને કેડર વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી દર્શાવતો જોબ ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ગ્રામીણ સ્તરે અંદાજે 90 થી 100 જેટલા દૈનિક કામો અને વિષયવાર અલગ કરીએ તો કુલ 290 જેટલા પ્રજાલક્ષી કામોનો સમાવેશ થાય છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી ગ્રામ્ય કક્ષાએ મહેસૂલી તલાટી તથા પંચાયત તલાટી-કમ-મંત્રી વચ્ચેની જવાબદારીઓ અંગે વધુ સ્પષ્ટતા આવશે.

પંચાયત તલાટી-કમ-મંત્રીના કાર્યક્ષેત્રમાં ગ્રામ પંચાયત અને ગ્રામ વિકાસની કામગીરી

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નિર્ધારિત જોબ ચાર્ટ મુજબ પંચાયત તલાટી-કમ-મંત્રી દ્વારા પંચાયત અધિનિયમ મુજબ ગ્રામ પંચાયત સચિવ તરીકેની તમામ ફરજો બજાવવાની રહેશે.

વિકાસ યોજનાઓ: કેન્દ્ર અને રાજ્ય સરકારની વ્યક્તિગત તથા વિકાસલક્ષી યોજનાઓનું ગ્રામ્ય કક્ષાએ અમલીકરણ.

પ્રમાણપત્રો અને સેવાઓ: વિવિધ પ્રકારના સરકારી દાખલા તથા પ્રમાણપત્રો આપવાની કામગીરી.

મિલકત અને દબાણ: ગ્રામતળ, ગૌચર અને પંચાયત હસ્તકની જમીનો પરના દબાણો અટકાવવા તથા જાહેર મિલકતોની જાળવણી.

નાગરિક સુવિધાઓ: ગામમાં સ્વચ્છતા, પાણી પુરવઠો, વૃક્ષારોપણ, આંગણવાડી, પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય વિષયક કામગીરી.

ગ્રામીણ સંચાલન: ગ્રામસભા તેમજ વિવિધ પંચાયત સમિતિઓની કામગીરીનું સંચાલન.

ફ્લેગશિપ યોજનાઓ: PM-KISAN, PM-VISHWAKARMA, ઈ-ગ્રામ/ઈ-નિર્માણ કાર્ડ અને ગ્રામતળના પ્લોટ સંબંધિત કામગીરી.

મહેસૂલી તલાટીના કાર્યક્ષેત્રમાં મહેસૂલી અને જમીન સંબંધિત કામગીરી

મહેસૂલ વિભાગ દ્વારા નક્કી કરાયેલા જોબ ચાર્ટ મુજબ મહેસૂલી તલાટીએ જમીન અને મહેસૂલ સંબંધિત કાયદાકીય ફરજો સંભાળવાની રહેશે.

મહેસૂલી કાયદાઓ: મહેસૂલના વિવિધ અધિનિયમો, હિજરતી મિલકત તથા અશાંત ધારા અન્વયેની તમામ કામગીરી.

જમીન રેકર્ડ અને વસૂલાત: જમીન મહેસૂલની વસૂલાત, બાકી લેણાની ઉઘરાણી, જમીન સંબંધિત રેકર્ડ અને હકોની નોંધણી.

સર્વે અને જમીન સંપાદન: સરકારી મિલકત તથા જમીન સંબંધિત હકોની ચકાસણી, દબાણ અંગેની કામગીરી, જમીન સંપાદન, જમીન મહેસૂલ છૂટ-વધઘટ અને PM-સ્વામિત્વ યોજના.

કૃષિ સંબંધિત કામગીરી: પાક ઉત્પાદન, જમીન સુધારણા, પાક કાપણી પ્રયોગો, ફાર્મર રજિસ્ટ્રેશન અને પાક વીમા સંબંધિત કામગીરી.

રાહત પેકેજ: કુદરતી આપત્તિના સમયે કૃષિ રાહત પેકેજ વિતરણ અને મહેસૂલી અધિકારીઓ દ્વારા સોંપાતી અન્ય કામગીરી.

કટોકટીના સમયે બંને કેડર વચ્ચે સંકલન અને VCEની મદદપરસ્પર સંકલન

બંને જોબ ચાર્ટમાં કામગીરીની સ્પષ્ટતા સાથે જ્યાં જરૂરી હોય ત્યાં પરસ્પર સહકારની જોગવાઈ કરાઈ છે. ખાસ કરીને કુદરતી આપત્તિઓના સમયે કૃષિ રાહત પેકેજ સંબંધિત કામગીરીમાં પંચાયત તલાટી અને મહેસૂલી તલાટીએ સંકલનપૂર્વક કામ કરવાનું રહેશે.

ખાસ કિસ્સામાં વિકાસ કમિશનરના આદેશથી VCE (વિલેજ કોમ્પ્યુટર આંતરપ્રિન્યોર) દ્વારા મહેસૂલી તલાટીને વહીવટી મદદ પૂરી પાડી શકાશે.

આ નિર્ણયથી ગ્રામ્ય કક્ષાએ પંચાયતલક્ષી તથા મહેસૂલી કામગીરીના સંચાલનમાં વધુ સુવ્યવસ્થિતતા આવશે અને ગ્રામજનોને વહીવટી કામો માટે વધુ સરળતા રહેશે.