Rabi Krishi Mahotsav-2024: રવી કૃષિ મહોત્સવ-2024નો રાજ્યવ્યાપી પ્રારંભ શુક્રવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દાંતીવાડાથી કરાવશે

રવી કૃષિ મહોત્સવ-2024 તા. 6 અને 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Thu, 05 Dec 2024 11:30 PM (IST)Updated: Thu, 05 Dec 2024 11:30 PM (IST)
chief-minister-bhupendra-patel-will-inaugurate-the-state-wide-rabi-krishi-mahotsav-2024-from-dantiwada-on-friday

Rabi Krishi Mahotsav-2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના દાંતીવાડાથી શુક્રવાર, 6 ડિસેમ્બરે જ્યવ્યાપી રવી કૃષિ મહોત્સવ-2024નો પ્રારંભ કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઉપસ્થિતિમાં કરાવશે.

આ રવી કૃષિ મહોત્સવ-2024 તા. 6 અને 7 ડિસેમ્બર દરમિયાન 246 તાલુકા મથકોએ રાજ્ય સરકારના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાવાનો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમયાનુરૂપ ટેકનોલોજીના ઉપયોગથી ખેતી દ્વારા ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના ઉદાત અભિગમ સાથે કૃષિ મહોત્સવની નવતર પરંપરાની શરૂઆત 2005થી કરાવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં એ પરંપરાને આગળ ધપાવતાં રાજ્ય સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ વર્ષે રવી કૃષિ મહોત્સવનું બહુ આયામી આયોજન કરવામાં આવ્યું છે.

આ બે દિવસીય કૃષિ મહોત્સવમાં વિવિધ ટેક્નીકલ માર્ગદર્શન સેમીનાર, પ્રાકૃતિક ખેતીનું નિદર્શન, આધુનિક કૃષિ ટેકનોલોજીનું નિદર્શન-પ્રદર્શન, પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત અને પશુ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સાથો-સાથ રાજ્યના પ્રગતીશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર તથા આત્મા બેસ્ટ ફાર્મરના એવોર્ડ પણ આ કાર્યક્રમ દરમિયાન એનાયત કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યકક્ષાના રવી કૃષિ મહોત્સવમાં દાંતીવાડા ખાતે 12 જેટલા પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરશે ઉપરાંત શ્રેષ્ઠ પશુપાલક એવોર્ડ અને વિવિધ લાભ સહાયનું વિતરણ પણ થવાનું છે.

રવી કૃષિ મહોત્સવ-2024માં કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક અને સસ્ટેનેબલ ફાર્મિંગ, ખેતી અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ, પ્રાકૃતિક ખેતી, પ્રિસીઝન ફાર્મિંગ, કૃષિ અને બાગાયતી પાકોમાં આધુનિક તાંત્રિકતા વિશે માર્ગદર્શન, મિલેટ પાકોમાં મૂલ્યવર્ધન, સફળ પશુપાલન જેવા વિવિધ વિષયો ઉપર ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવશે.