મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યના ભાવનગર મહાનગર તેમજ નડિયાદ, કાલાવાડ અને હળવદ નગરપાલિકાઓને ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનાના વિવિધ કામો માટે કુલ 5.60 કરોડ રકમના ખર્ચ માટેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદ નગરપાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના ઘટક અન્વયે 56 કામો માટે 1.64 કરોડ ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નડિયાદ નગરના 971 જેટલા પરિવારોને આ કામોથી વધુ સુવિધા મળતી થશે.
ભાવનગર મહાનગરપાલિકાને પણ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અન્વયે 66 જેટલા કામો માટે 1.83 કરોડ ફાળવવા પણ અનુમોદન આપ્યું છે. આ કામોનો ભાવનગર મહાનગરમાં 2937 પરિવારોને લાભ મળશે. રાજ્યની અન્ય બે નગરપાલિકાઓ કાલાવાડ અને હળવદમાં કુલ 4518 ઘરોની ડ્રેનેજ લાઇનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડવાના કામો માટે કુલ 2.12 કરોડ કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કાલાવાડ નગરપાલિકા વિસ્તારના 4237 ઘર જોડાણો માટે 1.97 કરોડના ખર્ચે તેમજ હળવદ નગરપાલિકા વિસ્તારના 281 ઘર જોડાણો માટે 14.47 લાખનો ખર્ચ થશે.
આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સોસાયટીઓના આંતરિક રસ્તા, પાણીની પાઇપલાઇન, સ્ટ્રીટલાઇટ અને ગટર જેવા કામો માટે ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાં થતા કુલ ખર્ચ પેટે 70 ટકા રાજ્ય સરકારનો ફાળો તેમજ 10 ટકા સ્થાનિક સંસ્થાનો તથા 20 ટકા ફાળો સંબંધિત સોસાયટી દ્વારા આપવામાં આવે છે. જે ઘરો ડ્રેનેજ લાઇન સાથે જોડાયેલા ન હોય તેવા ઘરોની ડ્રેનેજ લાઇનને મેઇન ડ્રેનેજ લાઇન સાથે જોડવા માટે ઘર દીઠ 7 હજાર રૂપિયાની મર્યાદામાં સહાય પણ આપવામાં આવે છે. વર્તમાન રાજ્ય સરકારે આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024 સુધી લંબાવીને આ વર્ષના બજેટમાં યોજના માટે 8086 કરોડની જોગવાઇ કરેલી છે.
