Gandhinagar: ગુજરાત સરકારના નિવૃત્ત કર્મચારીઓ માટે આ વર્ષની 1લી મે એક મોટી ભેટ લઈને આવી છે. રાજ્ય સરકાર અને ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB) વચ્ચે થયેલા ખાસ કરાર મુજબ, હવે પેન્શનરોએ પોતાનું ડિજિટલ જીવન પ્રમાણપત્ર (Life Certificate) જમા કરાવવા માટે બેંક કે ટ્રેઝરી કચેરી સુધી જવાની જરૂર રહેશે નહીં. આગામી ત્રણ મહિના સુધી આ સેવા તદ્દન નિઃશુલ્ક પૂરી પાડવામાં આવશે.
સમયગાળો: 1 મે થી 31 જુલાઈ, 2026.
લાભાર્થી: ગુજરાત સરકારના આશરે 5 લાખથી વધુ પેન્શનરો.
સુવિધા: પોસ્ટમેન અથવા ગ્રામિણ ડાક સેવક ઘરે આવીને ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવી આપશે.
ચાર્જ: નિયત સમયગાળા દરમિયાન આ સેવા સંપૂર્ણપણે ફ્રી છે.
ટેકનોલોજીનો ઉપયોગ: ચહેરો અને ફિંગરપ્રિન્ટથી ઓળખ
ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવના જણાવ્યા અનુસાર, આ પ્રક્રિયામાં 'ફેસ ઓથેન્ટિકેશન' અને 'ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર (NIC) દ્વારા વિકસિત 'જીવન પ્રમાણ' એપ દ્વારા આ કામગીરી મિનિટોમાં પૂર્ણ થશે.
ડાઉનલોડ કેવી રીતે કરવું?
પેન્શનરની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ, તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક SMS દ્વારા પ્રમાણ આઈડી મોકલવામાં આવશે. પેન્શનર jeevanpramaan.gov.in પર જઈને પોતાનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકશે. તેની ડિજિટલ નકલ સીધી પેન્શન કચેરીમાં પણ અપડેટ થઈ જશે.
જરૂરી દસ્તાવેજો
સેવા મેળવતી વખતે પેન્શનરે નીચેની વિગતો પોસ્ટમેનને આપવાની રહેશે
- આધાર નંબર
- મોબાઇલ નંબર
- PPO નંબર
'બેંકિંગ સેવાઓ તમારા દ્વાર' – પીએમ મોદીનું વિઝન
વર્ષ 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકની શરૂઆત વખતે જે વિઝન આપ્યું હતું, તેને ગુજરાત સરકાર આગળ ધપાવી રહી છે. આ સુવિધાથી ખાસ કરીને બીમાર અથવા અશક્ત પેન્શનરો અને અંતરિયાળ ગામડાઓમાં રહેતા નિવૃત્ત કર્મચારીઓને મોટી રાહત મળશે.
વધારાની સુવિધા: પેન્શનરો પોસ્ટમેન દ્વારા 'આધાર સક્ષમ પેમેન્ટ સિસ્ટમ' (AePS) નો ઉપયોગ કરીને ઘરે બેઠા પોતાના બેંક ખાતામાંથી પેન્શનની રકમ પણ ઉપાડી શકશે.
ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક, ગુજરાત સર્કલના આસીસ્ટન્ટ જનરલ મેનેજર રણવીર સિંહએ જણાવ્યું કે જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે. પ્રમાણપત્ર જનરેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને તેના મોબાઇલ નંબર પર એસએમએસ દ્વારા પ્રમાણ આઈડી પ્રાપ્ત થશે અને પ્રમાણપત્રને https://jeevanpramaan.gov.in/ppouser/login પરથી ડાઉનલોડ કરી શકાશે. આ પહેલ પેન્શનરોની સુવિધામાં વધારો કરે છે તેમજ તેમને મુસાફરી અને સમયની મર્યાદા સાથે સંકળાયેલી સમસ્યામાંથી પણ મુક્તિ આપે છે.
અન્ય રાજ્યોમાં રહેતા પેન્શનરો માટે
જો કોઈ ગુજરાત સરકારના પેન્શનર હાલ અન્ય રાજ્યમાં રહેતા હોય, તો તેઓ પણ ત્યાંની નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો સંપર્ક કરીને આ સુવિધાનો લાભ લઈ શકશે.
