Bagdana Controversy: હીરા સોલંકી, પરસોત્તમ સોલંકી સહિતના કોળી સમાજના આગેવાનો સીએમને મળ્યા, તટસ્થ તપાસ અને SITની રચનાની કરી માગ

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી, મંત્રી કુંવરજી બાવળિયા સહિતના કોળી સમાજના આગેવાનો ગાંધીનગર પહોંચ્યા છે. જ્યાં તેઓ મુખ્યમંત્રીને મળીન સમગ્ર મામલે રજૂઆત કરશે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Mon, 05 Jan 2026 12:08 PM (IST)Updated: Mon, 05 Jan 2026 03:34 PM (IST)
bagdana-controversy-koli-leaders-including-mla-hira-solanki-reach-gandhinagar-to-meet-gujarat-cm

Bagdana Assault Case: છેલ્લા કેટલાક દિવસોથી બગદાણા અને માયાભાઇ આહીરને લઇને એક વિવાદ ચાલી રહ્યો છે. માયાભાઇ આહીરને ફોન કરનાર બગદાણાના સેવકને કેટલાક શખ્સો દ્વારા માર મારવામાં આવ્યો હતો. આ મામલે કોળી સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી ધારાસભ્ય હીરા સોલંકી અને રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકીની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળે આ મામલે તટસ્થ તપાસ અને 'સીટ' (SIT) ની રચના કરવા માટે મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું હતું.

કોળી સમાજની સીએમના નિવાસ સ્થાને બેઠક યોજાઇ

કોળી સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ અને ધારાસભ્યોએ આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, સાંસદ રાજેશ ચુડાસમા, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા સહિત 15 જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતા. પરસોત્તમ સોલંકીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં તમામ નેતાઓએ એકસૂરે નવનીત બાલધિયાને ન્યાય મળે તે માટે રજૂઆત કરી હતી.

કોળી સમાજના આગેવાો દ્વારા શું રજૂઆત કરાઇ

મુખ્યમંત્રી સાથેની મુલાકાત બાદ ધારાસભ્ય હીરા સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે આ લડાઈ કોઈ રાજકીય હેતુ માટે કે કોઈ બે સમાજ વચ્ચેની નથી. તેમણે જણાવ્યું હતું કે, અમારે કોઈ સમાજ સામે પ્રશ્ન નથી અને આ કોઈ 'સમાજ વર્સીસ સમાજ'નો મુદ્દો નથી. આ સંપૂર્ણપણે ન્યાય અને અન્યાય વચ્ચેની લડાઈ છે. આ રજૂઆત પાછળ કોઈ રાજકીય કિન્નાખોરી કે કોઈના પર દાવ લેવાની વાત નથી, પરંતુ પીડિત પરિવારને સાચો ન્યાય મળે તે જ મુખ્ય ઉદ્દેશ્ય છે.

સરકાર સમક્ષ કરાયેલી રજૂઆતની વિગતો આપતા હીરા સોલંકીએ જણાવ્યું હતું કે હાલમાં જે તપાસ ચાલી રહી છે તે સાચી દિશામાં ન હોવાની આશંકા છે. આથી, આ કેસની તપાસ કોઈ ઉચ્ચ અધિકારી એટલે કે ડી.આઈ.જી. (DIG) કક્ષાના અધિકારીને સોંપવામાં આવે અથવા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, કોઈ પણ સમાજ અસામાજિક હોતો નથી, પરંતુ જે વ્યક્તિઓ અસામાજિક પ્રવૃત્તિ કરે છે તેમને દંડ મળવો જોઈએ.

બગદાણા વિવાદ: શું છે સમગ્ર મામલો?

આ વિવાદની શરૂઆત 24 ડિસેમ્બર, 2025ના રોજ મુંબઈના કાંદિવલી ખાતે એક ડાયરા કાર્યક્રમમાં થઈ હતી. આ કાર્યક્રમમાં લોક કલાકાર માયાભાઈ આહીરે જણાવ્યું હતું કે, બજરંગદાસ બાપાની કૃપાથી મનજીબાપા પછી બગદાણાની જવાબદારી યોગેશ સાગરને મળી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે યોગેશ સાગર માત્ર ધારાસભ્ય જ નહીં, પરંતુ બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી પણ બન્યા છે. (નોંધનીય છે કે યોગેશ સાગર મુંબઈમાં કાંદિવલી વેસ્ટ બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે.)

માયાભાઈ આહીરના આ નિવેદન બાદ બગદાણાના એક સેવક નવનીતભાઈ બાલધિયાએ તેમને ફોન કરીને જણાવ્યું કે, હાલ બગદાણા આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, માત્ર ટ્રસ્ટીઓ જ છે. પોતાની ભૂલ સ્વીકારીને માયાભાઈ આહીરે તુરંત જ માફી માગતો એક વીડિયો નવનીતભાઈને મોકલ્યો હતો. આ વીડિયોમાં તેમણે સ્પષ્ટ કર્યું કે મુંબઈના ડાયરામાં તેમનાથી મેનેજિંગ ટ્રસ્ટી શબ્દ બોલાઈ ગયો હતો, જેની તેમને જાણ નહોતી. તેમણે બગદાણા ટ્રસ્ટ પાસે આ ભૂલ બદલ માફી માગી હતી.

આ ઘટનાક્રમ બાદ માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરે નવનીતભાઈને ફોન કર્યો હતો અને તેમની હાજરી અંગે પૂછપરછ કરી હતી. નવનીતભાઈએ પોતે બગદાણા આશ્રમમાં હોવાનું જણાવતા જયરાજ આહીરે એક પ્રસંગ પતાવીને આવવાની વાત કહી હતી. આ ફોન કોલ બાદ તરત જ આઠ જેટલા અજાણ્યા શખ્સો બગદાણા આશ્રમ પહોંચ્યા અને નવનીતભાઈ બાલધિયા પર ધોકા-પાઈપ વડે જીવલેણ હુમલો કર્યો. આ હુમલામાં નવનીતભાઈના હાથ-પગ ભાંગી ગયા હતા.

હુમલાની આ ઘટના બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ કેસ નોંધી તપાસ હાથ ધરી હતી અને આઠ આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, પોલીસના પ્રાથમિક તપાસ નિવેદન અનુસાર, આ કેસમાં માયાભાઈ આહીર કે જયરાજ આહીરનો હાથ હોવાનું સામે આવ્યું નથી. પોલીસના આ નિવેદન પછી જયરાજ આહીરનું પણ નિવેદન સામે આવ્યું હતું. તેમણે નવનીતભાઈ બાલધિયા પર સસ્તી પ્રસિદ્ધિ અને પોતાના સ્વાર્થ માટે આ વિવાદમાં તેમના પરિવારનું નામ જોડવાનો આરોપ લગાવ્યો હતો.

નવનીતભાઈ બાલધિયા પર થયેલા હુમલા બાદ સમાજમાં રોષ જોવા મળ્યો હતો. 1 જાન્યુઆરીના રોજ હીરાભાઈ સોલંકી અને અન્ય કોળી સમાજના આગેવાનો નવનીતભાઈને હોસ્પિટલમાં મળવા પહોંચ્યા હતા અને તેમને ન્યાય મળે તેવી માંગણી કરી હતી. આ ઉપરાંત, મહુવા ખાતે પણ કોળી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું, જેમાં આ ઘટનાના તમામ ગુનેગારોને કાયદાના દાયરામાં લાવવાની રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર વિવાદ અને ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં રાખીને બગદાણાના પીઆઈ ડી.વી. ડાંગરની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી હતી.