Amul Milk Price Hike: ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા સમગ્ર ભારતમાં તેના મુખ્ય દૂધના પાઉચના ભાવમાં આશરે 4-5 ટકાનો વધારો કર્યો છે, જે 12 નવેમ્બર 2026 થી અમલમાં આવશે. અમૂલ દ્વારા અમૂલગોલ્ડના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા અને અમૂલ તાજા દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
આ અંગે ANI માંથી મળતી વિગતો અનુસાર, Amul બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી સંસ્થા, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) દ્વારા સમગ્ર ભારતમાં તેના મુખ્ય દૂધના પાઉચના ભાવમાં આશરે 4-5 ટકાનો વધારો કર્યો છે, જે 12 નવેમ્બર 2026 થી અમલમાં આવશે.
સૌથી વધુ વેચાતા અમૂલ તાજા (Amul Taaza) ટોન્ડ મિલ્ક (જેમાં 3% ફેટ હોય છે) ભાવમાં પ્રતિ લિટર માત્ર 2 રૂપિયા એટલે કે 3.3 ટકાનો વધારો અને 6% ફેટ ધરાવતા 'અમૂલ ગોલ્ડ' (Amul Gold) મિલ્કના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયા એટલે કે 5.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
GCMMFના જણાવ્યા મુજબ, દૂધના ઉત્પાદન, સંગ્રહ અને પ્રોસેસિંગ ખર્ચમાં થયેલા ઉછાળાને કારણે ભાવ વધારો કરવો અનિવાર્ય બન્યો હતો. હાલના તબક્કે પશુપાલન ક્ષેત્રે વપરાતા લીલા તેમજ સૂકા ચારા, પશુ આહાર માટેના ખોળ, મકાઈ અને ગોળની રસીના ભાવમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. આ ઉપરાંત, દૂધના પેકિંગ માટે વપરાતી પ્લાસ્ટિક ફિલ્મ અને પરિવહન માટેના ઈંધણના દર વધતા એકંદર પ્રોસેસિંગ ખર્ચ વધી ગયો છે.
તેમજ, ગુજરાત સહિત દેશના વિવિધ વિસ્તારોમાં અનિયમિત અને ઓછા વરસાદને કારણે પશુપાલકો સામે પણ મોટો આર્થિક પડકાર ઊભો થયો છે. આવી મુશ્કેલ પરિસ્થિતિમાં દૂધ ઉત્પાદક પશુપાલકોને પોષણક્ષમ ભાવ મળી રહે અને તેમનું આર્થિક હિત જળવાઈ રહે તે હેતુથી ગ્રાહક કિંમતમાં વધારો કરવો પડ્યો હોવાનું કંપનીએ સ્પષ્ટ કર્યું છે.
