ગુજરાતનાં શહેરોમાં શહેરી સુવિધાઓનો વ્યાપ વધ્યો: AMRUT 2.0 હેઠળ 497 કામ પૂર્ણ, જાણો ક્યાં થયો કેટલો વિકાસ

ગુજરાતના શહેરોમાં AMRUT 2.0 હેઠળ ₹4,832 કરોડના 497 વિકાસકામો પૂર્ણ થયા છે. પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર, 78 તળાવોનું નવીનીકરણ અને મહિલા આજીવિકા અંગે વાંચો વિગતવાર અહે

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 05 Nov 2026 11:45 AM (IST)Updated: Thu, 05 Nov 2026 11:45 AM (IST)
amrut-2-0-gujarat-urban-development-497-projects-completed-water-supply-drainage-lake-rejuvenation

AMRUT 2.0 Gujarat: દેશનાં શહેરોને આધુનિક અને સુવિધાસભર બનાવવા તેમજ નાગરિકોના ‘ઈઝ ઑફ લિવિંગ’માં વધારો કરવા વિવિધ પહેલો અમલમાં મૂકવામાં આવી છે. 1 ઓક્ટોબર, 2021ના રોજ ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા AMRUT 2.0 એટલે કે અટલ મિશન ફોર રિજુવિનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન 2.0ની શરૂઆત કરવામાં આવી હતી. ગુજરાતમાં આ મિશન અંતર્ગત શહેરોમાં પાણી પુરવઠો, ભૂગર્ભ ગટર વ્યવસ્થા, તળાવોના નવીનીકરણ અને બાગ-બગીચાઓના વિકાસનાં કામો હાથ ધરવામાં આવી રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં AMRUT 2.0 હેઠળ ₹4,832 કરોડના 497 કામો પૂર્ણ કરવામાં આવ્યાં છે.

AMRUT 2.0 મિશનનો મુખ્ય ઉદ્દેશ

તમામ શહેરી સ્થાનિક સંસ્થાઓના કાર્યક્ષેત્ર હેઠળ આવતા ઘરોને નળથી પાણીનું જોડાણ પૂરું પાડવાનો અને 31 અમૃત શહેરોમાં ઘરોને સુએજ-સેપ્ટેજ જોડાણની સુવિધા આપવાનો છે. આ ઉપરાંત, મિશન હેઠળ જળાશયો અને કૂવાઓના જીર્ણોદ્ધાર, જળસુરક્ષા, શહેરી આયોજન અને નાણાકીય સંસાધનોના એકત્રીકરણ જેવા સુધારાઓ પર પણ ભાર મૂકવામાં આવે છે. શહેરી વિસ્તારોમાં નાગરિકોને ગુણવત્તાયુક્ત પાણી અને ગટર વ્યવસ્થાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે ‘અમૃત મિશન’ મહત્વપૂર્ણ સાબિત થયું છે.

પાણી પુરવઠા ક્ષેત્રે 2.72 લાખથી વધુ નવાં જોડાણો

રાજ્યનાં શહેરોમાં પાણી પુરવઠા ક્ષેત્રે ₹2,937 કરોડનાં 224 કામો પૂર્ણ થયાં છે. તેનાથી 539 MLD પાણી શુદ્ધિકરણ ક્ષમતા, 1,366 લાખ લિટર પાણી સંગ્રહ ક્ષમતા અને 2,128 કિમી પાણી વિતરણ પાઇપલાઇન નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે. આ ઉપરાંત, 2.72 લાખથી વધુ નવાં ઘરેલુ નળ જોડાણો આપવામાં આવ્યાં છે. આ કામગીરીથી અંદાજે 23.87 લાખ નાગરિકોને લાભ થયો છે.

ભૂગર્ભ ગટર વ્યવસ્થાથી 31.76 લાખ નાગરિકોને લાભ

31 અમૃત શહેરોમાં ગટર વ્યવસ્થા ક્ષેત્રે ₹1,500 કરોડનાં 77 કામો પૂર્ણ થયાં છે. તેનાથી ગંદા પાણીના શુદ્ધિકરણની ક્ષમતામાં 162 MLDનો વધારો થયો છે, 931 કિમી ગટર નેટવર્કનું નિર્માણ થયું છે અને 1.03 લાખથી વધુ નવાં ઘરેલુ ગટર જોડાણો આપવામાં આવ્યાં છે. આ કામગીરીથી અંદાજે 31.76 લાખ નાગરિકોને લાભ થયો છે.

શહેરોમાં બ્યુટીફિકેશનને પ્રોત્સાહન: 78 તળાવોનું નવીનીકરણ

મિશન હેઠળ તળાવ નવીનીકરણ ક્ષેત્રે રુ. 301 કરોડનાં 97 કામો પૂર્ણ થયાં છે, જેના પરિણામે 78 તળાવોનું નવીનીકરણ થયું છે. બાગ-બગીચા વિકાસ ક્ષેત્રે રુ. 94 કરોડનાં 99 કામો પૂર્ણ થયાં છે, જેના પરિણામે 87 બાગ-બગીચાઓનું નિર્માણ અને વિકાસ થયો છે.

મહિલા સ્વસહાય જૂથો માટે આજીવિકાની તકો

‘અમૃત મિત્ર’ અને ‘વુમન ફોર ટ્રી’ પહેલ હેઠળ મહિલા સ્વસહાય જૂથોને આજીવિકાની તકો પૂરી પાડવામાં આવી રહી છે. ‘વુમન ફોર ટ્રી’માં અંદાજે 178 સ્વસહાય જૂથોની મહિલાઓ ભાગ લઈ રહી છે. આ અંતર્ગત ₹604.158 લાખના 165 પ્રોજેક્ટ હાથ ધરાયા છે અને અત્યાર સુધીમાં 1.52 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યાં છે.