ગાંધીનગર.
Amit Shah Gujarat Visits: આજે ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી, ગાંધીનગર ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ચતુર્થ પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં 318 વિદ્યાર્થીઓને કેન્દ્રીય મંત્રીના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી.
અમિત શાહે દીક્ષાર્થીઓને આહવાન કરતાં કહ્યું કે, ‘મારા માટે ભારત સર્વપ્રથમ અને વિશ્વમાં ભારત સર્વપ્રથમ’ના મંત્રને ખરા અર્થમાં ચરિતાર્થ કરજો. દીક્ષાર્થીઓની વર્ષ 2022ની આ બેચ અમૃત મહોત્સવની બેચ તરીકે ઓળખાશે, જે આઝાદીના અમૃતકાળ દરમિયાન આવનારા 25 વર્ષોમાં વ્યક્તિગત વિકાસની સાથે સાથે સમાજ-રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપશે.
દેશે આઝાદીથી 75 વર્ષ સુધીમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. નાગરિકો આઝાદી પ્રાપ્તિ પાછળના સંઘર્ષને જાણે અને તેની પાછળના ઉપદેશને સમજે તે હેતુથી વડાપ્રધાન મોદીએ આ વર્ષને આઝાદીના અમૃત મહોત્સવ અને આવનારા 25 વર્ષોને અમૃતકાળ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે.
નવી શિક્ષણ નીતિ વિશે અમિત શાહે જણાવ્યું , નવી શિક્ષણ નીતિ-2020માં આજના યુવાનને ‘ગ્લોબલ સિટિઝન’ બનાવવાની વિભાવના રહેલી છે તથા આ નીતિમાં એક્ટિવિટી બેઝ્ડ લર્નિંગ પર વધુ ભાર મૂકાયો છે, જે ભારતના યુવાનને વિશ્વના કોઈપણ મંચ પર ઊભો રહેવા સક્ષમ બનાવશે.
અગાઉની શિક્ષણ નીતિઓ વિવાદોમાં ઘેરાયેલી રહી હતી, પરંતુ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલ નવી શિક્ષણ નીતિ-૨૦૨૦નો વિના વિરોધે સમગ્ર દેશે સહર્ષ સ્વીકાર કરી અમલ શરૂ કર્યો છે. વ્યક્તિ પોતાના વિચારોને માતૃભાષા થકી જ સરળતાથી નિર્ણય સુધી પહોંચાડે છે. આથી નવી શિક્ષણ નીતિમાં માતૃભાષા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. તબીબી અને તકનિકી શિક્ષણ પણ માતૃભાષામાં આપવું જોઈએ તથા જરૂર પડ્યે માતૃભાષાના શબ્દકોષને પણ વિસ્તૃત કરવો જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
વધુમાં સ્ટાર્ટઅપ્સ અંગે જણાવ્યું કે, વર્ષ 2016માં દેશમાં માત્ર 724 જેટલા સ્ટાર્ટઅપ્સ હતાં, જે આજે 70 હજારથી પણ વધારે છે. આ ઉપરાંત દેશમાં વર્ષ 2014માં માત્ર ચાર જ યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ હતાં, જે આજે વધીને 107 થયાં છે. આ ઉપરાંત દેશના કુલ સ્ટાર્ટઅપ્સમાંથી 44 ટકા સ્ટાર્ટઅપ્સ મહિલાઓ દ્વારા શરૂ કરવામાં આવ્યાં છે. તેમજ 45 ટકા સ્ટાર્ટઅપ્સ ટિયર-2 અને ટિયર-3 જેવા નાના શહેરોમાંથી શરૂ થયાં છે. જે રાષ્ટ્રની ઈનોવેશન ક્ષમતા અને સરકારની વિકાસના દરેક તબક્કે મદદની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
