અમિત શાહ આજથી 5 દિવસ અમદાવાદ-ગાંધીનગરમાં, PM મોદી આગામી 30-31 ઓક્ટોબરે એકતા દિવસની ઉજવણીમાં જોડાશે

બિહારમાં ચૂંટણી પ્રચારની ધૂમ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ પહેલીવાર અમદાવાદ આવી રહ્યા છે.

By: Kishan PrajapatiEdited By: Kishan Prajapati Publish Date: Sun 19 Oct 2025 09:29 AM (IST)Updated: Sun 19 Oct 2025 09:29 AM (IST)
amit-shah-begins-5-day-visit-to-ahmedabad-gandhinagar-pm-modi-to-attend-ekta-diwas-celebrations-623514
HIGHLIGHTS
  • આ પાંચ દિવસના રોકાણ દરમિયાન તેઓ રાજ્ય મંત્રીપરિષદમાં નવા સ્થાન પામેલા મંત્રીઓ સાથે મુલાકાત કરશે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 30 અને 31 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં રહેશે.

Ahmedabad News: ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, જેના કારણે દિવાળી અને ગુજરાતી નૂતન વર્ષના તહેવારોમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલમાં ગુજરાતમાં મંત્રીઓના પદભાર સંભાળી રહ્યા હતા ત્યારે તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા હતા.

ગૃહમંત્રી અમિત શાહ પાંચ દિવસ ગુજરાતમાં

બિહારમાં ચૂંટણી પ્રચારની ધૂમ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ બાદ પહેલીવાર અમદાવાદ આવી રહ્યા છે. રવિવારથી તેઓ સળંગ પાંચેક દિવસ સુધી અમદાવાદ-ગાંધીનગરમાં રોકાણ કરશે.

ગુજરાત સરકારે દિવાળી અને ગુજરાતી નવવર્ષના તહેવારો માટે સોમવારથી સળંગ એક સપ્તાહની રજાઓ જાહેર કરી છે. આ તહેવારો નિમિત્તે અમિત શાહનું આ લાંબુ રોકાણ મહત્ત્વનું માનવામાં આવે છે. રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે કે આ પાંચ દિવસના રોકાણ દરમિયાન તેઓ રાજ્ય મંત્રીપરિષદમાં નવા સ્થાન પામેલા મંત્રીઓ સાથે મુલાકાત કરશે અને વિસ્તરણ પછીની પરિસ્થિતિની સમીક્ષા કરી શકે છે.

પીએમ મોદી નૂતન વર્ષમાં આવશે

ગૃહમંત્રીના રોકાણ બાદ તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ 30 અને 31 ઓક્ટોબર દરમિયાન ગુજરાતમાં રહેશે. વડાપ્રધાન મોદી ખાસ કરીને ૩૧મી ઓક્ટોબરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (SOU) ખાતે આયોજિત એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે.

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાનની હાજરી રાષ્ટ્રીય સ્તરે ધ્યાન ખેંચશે. રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થયા બાદ તરત જ દેશના બે ટોચના નેતાઓનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ વ્યૂહાત્મક માનવામાં આવે છે.

મુખ્યમંત્રી અને ધારાસભ્યો બિહાર પ્રચારમાં વ્યસ્ત

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે બિહારમાં ભાજપના ઉમેદવારોના સમર્થનમાં ધૂઆધાર પ્રચાર કર્યો હતો. તેમણે એક જ દિવસમાં અરવલ, ગુરૂઆ અને વજીરગંજ એમ ત્રણ વિધાનસભા મતક્ષેત્રોમાં સભા સંબોધી હતી.

ભાજપના કેટલાક ધારાસભ્યોને પણ બિહારમાં ચૂંટણીની જવાબદારી સોંપાઈ છે. મુખ્યમંત્રીના એક દિવસના પ્રચાર બાદ આવનારા સમયમાં ગુજરાતમાંથી વધુ નેતાઓને બિહાર ચૂંટણીની કામગીરી સોંપાય તેવી શક્યતા છે, જે દર્શાવે છે કે તહેવારોના માહોલમાં પણ પાર્ટી સંગઠન રાષ્ટ્રીય સ્તરે સંપૂર્ણ રીતે સક્રિય છે.