Ahmedabad Cab Drivers Strike: અમદાવાદમાં ઓલા, ઉબર અને રેપિડો જેવી એપ આધારિત કેબ તથા રીક્ષા ચાલકોની વિવિધ માંગણી અંગે ગાંધીનગરમાં કમિશનર કચેરી ખાતે યોજાયેલી પ્રથમ બેઠક નિષ્ફળ રહ્યા બાદ, મોડી રાત્રે ગાંધીનગરમાં વાહનવ્યવહાર કમિશનર સાથે યુનિયનના આગેવાનોની બેઠક યોજાઈ હતી. વાહનવ્યવહાર કમિશનરે માંગણીનો ઉકેલ લાવવાની બાંહેધરી આપતા યુનિયને હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી છે.
ચાલકોના ધરણાં બાદ મળેલી બેઠક સફળ
અમદાવાદમાં ઓલા (Ola), ઉબર (Uber) અને રેપિડો (Rapido) જેવી એપ આધારિત કેબ તેમજ રિક્ષા ચાલકોની વિવિધ માંગણી સંદર્ભે એગ્રીગેટર કંપનીઓ અને ડ્રાઈવર યુનિયનના પ્રતિનિધિઓ વચ્ચે ગાંધીનગર સ્થિત કમિશનર કચેરી ખાતે પ્રથમ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ પ્રથમ બેઠકમાં કોઈ ઉકેલ ન આવ્યો, અને ચાલકોએ હડતાળની ચીમકી આપીને સ્થળ પર જ ધરણાં પણ કર્યા હતા.
ત્યારબાદ મોડી રાત્રે વાહનવ્યવહાર કમિશનરે યુનિયનના આગેવાનો સાથે બેઠક યોજીને ચાલકોની માંગણીઓનો ઉકેલ લાવવાની સત્તાવાર બાંહેધરી આપી હતી. આ બાંહેધરી મળ્યા બાદ યુનિયનના આગેવાનો દ્વારા હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરવામાં આવી હતી.
બેઠકમાં સરકારે આપેલી મુખ્ય 4 બાંહેધરી
વાહનવ્યવહાર કમિશનર સાથે યોજાયેલી બેઠકમાં સરકાર દ્વારા ચાલકોની માંગણી સંદર્ભે કેટલીક મહત્વની બાંહેધરી આપવામાં આવી છે:
- ગેરકાયદે વાહનો સામે સ્પેશિયલ ડ્રાઈવ: અન્ય રાજ્યના એગ્રીગેટર સાથે જોડાયેલા વાહનો તેમજ સફેદ નંબર પ્લેટ ધરાવતા ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર સામે તાત્કાલિક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી આવા વાહનોને ઓફ બોર્ડ કરવામાં આવશે.
- 15 દિવસમાં ટેક્સી ભાડું નક્કી કરાશે: ટેક્સી ચાલકો માટે ભાડું નક્કી કરવાની પ્રક્રિયા 15 દિવસમાં પૂર્ણ કરવામાં આવશે. નાની અને મોટી ગાડીની કેટેગરી પ્રમાણે લઘુત્તમ અને નીતિવિષયક ભાડું નક્કી કરવામાં આવશે.
- સ્થાનિક સ્તરે ફરિયાદ નિવારણ વ્યવસ્થા: ચાલકોની ફરિયાદોના નિવારણ માટે સ્થાનિક સ્તરે એગ્રીગેટર કંપનીઓની ઓફિસ અથવા ફરિયાદ નિવારણની વ્યવસ્થા ઊભી કરવા અંગે નીતિવિષયક નિર્ણય લેવામાં આવશે.
- 1 મહિનામાં ઉચ્ચસ્તરીય બેઠક: ઓલા, ઉબર અને રેપિડો અંગે નિર્ણય લેવા અથવા આ કંપનીઓને બંધ કરવા અંગે મંત્રાલય કક્ષાએ 1 મહિનામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાશે. આ બેઠકમાં યુનિયનના 10 પ્રતિનિધિઓને પણ હાજર રાખવામાં આવશે.
