Adalaj Jagannath Temple Rath Yatra 2026: ગાંધીનગરના અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતેથી જગન્નાથ પુરીની ઝાંખી કરાવતી ભવ્ય રથયાત્રાનો મંગળ પ્રારંભ થયો છે. ભગવાન જગન્નાથજીની નગરચર્યાના આ પાવન અવસરે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિશેષ ઉપસ્થિત રહીને ભગવાનની મંગળા આરતી ઉતારી અને ધન્યતા અનુભવી હતી.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કરી પહિંદ વિધિ
અડાલજ જગન્નાથ મંદિરની રથયાત્રાનું આ પાંચમું વર્ષ છે. સવારે 9:00 કલાકે શરૂ થયેલી આ રથયાત્રા પૂર્વે મંદિર પ્રશાસન દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પુષ્પહાર અને પરંપરાગત પાઘડી પહેરાવીને ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે સુવર્ણ સાવરણાથી પહિંદ વિધિ કરીને રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.

'જય જગન્નાથ'ના નાદથી ગુંજ્યું અડાલજ
ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા, જેના કારણે સમગ્ર વાતાવરણ 'જય જગન્નાથ' ના નારાથી ગુંજી ઉઠ્યું હતું. અડાલજમાં પુરી જેવી ભવ્યતા સાથે નીકળેલી ભગવાન જગન્નાથજીની નગરચર્યામાં મોટો માનવ મહેરામણ ઉમટ્યો હતો.

મંદિર પરિસરથી નીકળેલી આ રથયાત્રા વિવિધ વિસ્તારોમાં નગરચર્યા કરશે. આ રથયાત્રા શનિ મંદિર, ઉવારસદ બ્રિજ અને અડાલજ સર્કલ થઈને મા અન્નપૂર્ણા મંદિર ખાતે પહોંચશે. અન્નપૂર્ણા મંદિર ખાતે તમામ ભક્તો માટે મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી, જ્યાં અલ્પવિરામ લીધા બાદ રથયાત્રા પુનઃ નિજ મંદિરે પરત ફરશે.

મહાનુભાવો અને સેંકડો ભક્તોની ઉપસ્થિતિ
આ પવિત્ર મહોત્સવની પૂજા વિધિ અને આરતીમાં મુખ્યમંત્રી સાથે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ, રાજ્યસભાના પૂર્વ સાંસદ નરહરિ અમીન સહિત અનેક પૂર્વ અધિકારીઓ અને રાજકીય-સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, ગુજરાતમાં વસતા ઓડિશા વાસીઓએ પણ વિશેષરૂપે ઉપસ્થિત રહી પ્રભુના ચરણોમાં શિશ ઝુકાવ્યું હતું.
