ગુજરાતનું એક એવું વન જે ડમ્પિંગ સાઇટ ઉપર નિર્માણ પામ્યુ છે, આ વનમાં વનસ્પતિ સાથે કુલ 2.85 લાખથી વધારે ફૂલછોડ અને વૃક્ષોનું વૈવિધ્ય

By: Rajendrasinh ParmarEdited By:Rajendrasinh ParmarPublish Date: Sat, 03 Jun 2023 02:39 PM (IST)Updated: Sat, 03 Jun 2023 02:39 PM (IST)
a-forest-in-gujarat-which-has-been-built-on-a-dumping-site-this-forest-has-a-total-flora-of-over-285986-species-of-flowers-and-trees

અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલું જડેશ્વર વન રાજ્યનું પહેલું એવું વન છે જે 'ડમ્પિંગ સાઇટ' ઉપર નિર્માણ પામ્યુ છે. ઓઢવમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ગાર્બેજ કલેક્શન સેન્ટરની નજીક 8.5 હેક્ટર વેસ્ટ લેન્ડ કે જ્યાં પહેલા આસપાસના વિસ્તારનો કચરો ડમ્પ કરવામાં આવતો હતો. આ 8.5 હેક્ટરનો પ્લોટ વન વિભાગને વૃક્ષારોપણ કરી ડેવલપ કરવા માટે ફાળવવામાં આવ્યો હતો, જ્યાં વન વિભાગ દ્વારા વર્ષ 2019માં 'જડેશ્વર સાંસ્કૃતિક વન'નું નિર્માણ કરવામાં આવ્યું છે. આજે જડેશ્વર વન અમદાવાદ શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં નમૂનેદાર વન બન્યુ છે. સૌથી અગત્યની વાત એ પણ છે કે, 'જડેશ્વર સાંસ્કૃતિક વનનું નિર્માણ થયું ત્યારથી લઇને અંદાજિત 8 લાખથી વધુ વિઝટર્સે મુલાકાત લીધી છે.

naidunia_image

આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના લાકો માટે ફરવાનું સ્થળ બની રહે તે માટે ડમ્પિંગ યાર્ડમાંથી એસેટ બનાવવાના હેતુથી બનાવવામાં આવ્યું છે. આ સાંસ્કૃતિક વનમાં વાવેલા વૃક્ષો અને ફૂલછોડ થકી એક અંદાજ મુજબ 5 વર્ષમાં 140.30 ટન અને 10માં વર્ષે 188.40 ટન જેટલો કાર્બન શોષાવાનો અંદાજ છે. આમ, આ સાંસ્કૃતિક વન આ વિસ્તારના ફેફસાના રૂપે કાર્ય કરે છે સાથો-સાથ આટલી મોટી માત્રમાં આવેલા વૃક્ષો થકી આ વિસ્તારમાં પાણીનું જમીનમાં ઉતારવાની પ્રક્રિયાને વેગ મળશે.આ પ્લોટમાં આશરે વિવિધ પ્રજાતિના વૃક્ષો તેમજ ફૂલછોડ અને અન્ય ક્ષૃપ પ્રકારની વનસ્પતિ સાથે કુલ 2,85,986થી વધારે ફૂલછોડ અને વૃક્ષો વાવવામાં આવ્યા છે. અહિં વિવિધ 22 બ્લોકમાં જુદી જુદી જાતના જુદા જુદા રંગના દરેક ઋતુમાં ફૂલો આપતાં વૃક્ષો વાવેતર કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, તેનો આનંદ લેવા તેની વચ્ચે આશરે 4.5 કીમી લાંબા વોકિંગ ટ્રેઇલનું નિર્માણ પણ કરાયું છે.

naidunia_image

રાજ્યમાં 2022 સુધીમાં રાજ્યમાં કુલ 22 સાંસ્કૃતિક વનનું નિર્માણ થયુ દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાત રાજ્યના સ્થાપના કાળથી રાજ્ય સ્તરીય વન મહોત્સવ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દર વર્ષે ઉજવાતો હતો. રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્ય સ્તરીય વન મહોત્સવ માત્ર પાટનગરમાં જ સિમીત ન રાખતા રાજ્યના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધામિક દૃષ્ટિએ અગત્યતા ધરાવતા રાજ્યના જુદા જુદા સ્થળોએ ઉજવવાની શરૂઆત વર્ષ 2004 થી કરી અને આ સાથે ઉજવણી સ્થળે સાંસ્કૃતિક વન સ્થાપનાની એક નવી પહેલ અને પરંપરા શરૂ થઇ. આ પરંપરાને આગળ લઇ જતા વર્ષ 2021 સુધીમાં રાજ્યમાં કુલ 21 સાંસ્કૃતિક વનનો સ્થાપના કરવામાં આવી છે.

રાજ્યમાં નિર્માણ પામેલા વન

  • ગાંધીનગર- સાંસ્‍કૃતિક વન
  • અંબાજી -માંગલ્‍ય વન
  • તારંગા -તીર્થંકર વન
  • વેરાવળ -હરિહર વન
  • ચોટીલા- ભકિત વન
  • શામળાજી -શ્‍યામલ વન,
  • પાલીતાણા- પાવક વન
  • પાવાગઢ -વિરાસત વન
  • માનગઢ -ગોવિંદગુરૂ સ્‍મૃતિવન
  • દ્વારકા -નાગેશ વન
  • કાગવડ -શક્તિ વન
  • ભીનાર- જાનકી વન
  • વહેરાખાડી- મહિસાગર વન
  • કપરાડા -આમ્રવન
  • બારડોલી -એક્તા વન
  • ભૂચરમોરી-શહીદ વન
  • વિજયનગર-વીરાંજલી વન
  • ભુજ-રક્ષક વન
  • ઓઢવ -જડેશ્વર વન
  • રાજકોટ -રામવન વન
  • ઉમરગામ-મારૂતિવંદન વન
  • વઢવાણ -વટેશ્વર વન