Fake ration card: રાજ્યમાં છ વર્ષમાં 6 લાખથી વધુ રેશનકાર્ડ રદ્દ, મુખ્ય કારણ જાણીને ચોંકી જશો! સર્વર ઠપ્પ હોવાની સતત બુમ

અંતરિયાળ ગામડાઓમાં દુકાનો બંધ થવાથી વૃદ્ધો અને શ્રમિક લાભાર્થીઓને ભારે મુશ્કેલી પડે છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 23 Feb 2026 02:46 PM (IST)Updated: Mon, 23 Feb 2026 03:54 PM (IST)
6-lakh-ration-cards-cancelled-in-gujarat-main-reason-being-fake-ration-cards
HIGHLIGHTS
  • છેલ્લા છ વર્ષમાં રાજ્યમાં 6.34 લાખથી વધુ રેશન કાર્ડ રદ્દ
  • કાર્ડ રદ્દ કરવા પાછળ નકલી રેશન કાર્ડ હોવાનું મુખ્ય કારણ
  • ખોટા લાભાર્થી, E-KYC માં વિસંગતતા જેવા કારણ સામેલ

Gujarat Fake ration cards: ગુજરાતમાં નકલી રેશનકાર્ડ અંગે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. છેલ્લા છ વર્ષમાં ગુજરાત રાજ્યમાં 6.34 લાખથી વધુ રેશન કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. દેખીતી રીતે મોટાભાગના રેશન કાર્ડ રદ્દ કરવા પાછળનું મુખ્ય કારણ નકલી રેશન કાર્ડ હતું. આ ઉપરાંત ખોટા લાભાર્થી, E-KYC માં વિસંગતતા અને લાભાર્થીનું અવસાન અને સ્થળાંતર જેવા કારણો પણ સામેલ છે.

છ વર્ષમાં 6 લાખથી વધુ રેશન કાર્ડ રદ્દ

ગુજરાતમાં છેલ્લા છ વર્ષમાં વિવિધ કારણોસર 6,34,959 રેશન કાર્ડ રદ્દ કરવામાં આવ્યા છે. આ રેશનકાર્ડ રદ્દ થવા પાછળના મુખ્ય કારણોમાં નકલી રેશન કાર્ડ હોવાનું સામે આવવું, ખોટા લાભાર્થીની ઓળખ થવી, E-KYC માં વિસંગતતા અને જે તે લાભાર્થીનું અવસાન થવું કે સ્થળાંતર કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.

વર્ષ રદ્દ કરાયેલા રેશનકાર્ડ
2020 47,936
2021 2,19,151
2022 1,32,519
2023 1,35,362
2024 30,889
2025 69,102
કુલ 6,34,959
ગુજરાત રાજ્યના આંકડા

સર્વર ઠપ્પ હોવાથી લાભાર્થીઓને હાલાકી

ગુજરાતમાં સસ્તા અનાજની દુકાન પરથી અનાજ મેળવતા કુટુંબો હાલ કેટલીક હાલાકીનો સામનો કરી રહ્યા છે. જેમાં સર્વર ઠપ્પ હોવાની બુમરાણ સમયાંતરે ઊઠે છે. જોકે, કેન્દ્ર સરકારે વૈકલ્પિક વ્યવસ્થા માટે તંત્રને નિર્દેશ આપતા જણાવ્યું કે, નેટવર્ક કનેક્ટિવિટીની તકલીફ, આધાર સીડીંગ સમસ્યા અથવા બાયોમેટ્રિક સિસ્ટમ ફેલ હોય તેવા સંજોગોમાં પણ કોઈ લાભાર્થી કે કુટુંબ મળવાપાત્ર અનાજના જથ્થાથી વંચિત ન રહે તે સુનિશ્ચિત કરવું.

કેટલી વ્યાજબી ભાવની દુકાનો બંધ થઈ?

આપને જણાવી દઈએ કે, ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા જાહેર કરેલ સત્તાવાર આંકડા અનુસાર માર્ચ-2023 ની સ્થિતિએ રાજ્યમાં 1997 વ્યાજબી ભાવની દુકાનોને તાળાં લાગ્યા છે. જેની પાછળ વિતરકોને પૂરતા નાણાં નહીં અપાતા હોવાનું મુખ્ય કારણ હતું. જોકે, સરકાર દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો કે, બંધ થયેલી દુકાનોને નજીકની દુકાન સાથે જોડવામાં આવી છે.

રાજ્યના શહેરોની દુકાનોના આંકડા

બંધ થયેલ કુલ દુકાનો પૈકી સૌથી વધુ દુકાનો અમદાવાદ, સુરત, અમરેલી, વડોદરા અને રાજકોટની છે. જેમાં સુરતમાં 163, વડોદરામાં 147, અમરેલીમાં 142, અમદાવાદમાં 141, રાજકોટમાં 125, દેવભૂમિ દ્વારકામાં 98, પાટણ અને ભાવનગરમાં 78-78 દુકાનો બંધ થઈ હતી. આ દુકાનો પરથી લોકોને સરકારી યોજનાનો લાભ લેવામાં નાકે દમ આવી ગયો હતો.