સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ગાંધીનગર, સુરત અને વડોદરાને 484 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા

By: Kishan PrajapatiEdited By:Kishan PrajapatiPublish Date: Thu, 14 Dec 2023 05:03 PM (IST)Updated: Thu, 14 Dec 2023 05:03 PM (IST)
484-crore-rupees-allocated-to-gandhinagar-surat-and-vadodara-from-swarnim-jayanthi-chief-ministers-urban-development-scheme

Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો અને મહાનગરોમાં જન સુખાકારીના વધુને વધુ કામો દ્વારા નાગરિકોના ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિની નવી દિશા વિકસાવી છે. મુખ્યમંત્રીએ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટનો ધ્યેય સાકાર કરવા આ હેતુસર રાજ્યના ત્રણ મહાનગરોને કુલ 424 વિવિધ જનહિતકારી વિકાસ કામો માટે સમગ્રતયા 483.71 કરોડ રૂપિયા ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાત રાજ્યની સ્વર્ણિમ જયંતી ઉજવણીના વર્ષ-2010માં શરૂ કરાવેલી સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ત્રણ મહાનગરોને આ 483.71 કરોડની રકમ ફાળવી છે. ગાંધીનગરની ગાંધીનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-GUDAને ભાઈજીપુરાથી ગિફ્ટસિટી તરફ જતા સિગ્નેચર બ્રિજ સુધીના રોડના કામો માટે 20.74 કરોડ રૂપિયાની ફાળવણીની મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ગાંધીનગર-કોબા હાઈ-વેને ગિફ્ટસિટી સાથે જોડતા આ મુખ્ય માર્ગની બેય તરફ વિવિધ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ કાર્યરત છે. નોલેજ હબ તરીકે આ વિસ્તાર ડેવલપ કરવાની હાલની પ્રગતિ હેઠળની કામગીરી ઉપરાંત મેટ્રો રેલની ભવિષ્યની ઉપલબ્ધિને ધ્યાનમાં લઇને આ રોડના ડેવલપમેન્ટ તેમજ બ્યુટિફિકેશન હેતુસર સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ખાસ કિસ્સામાં 20.74 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

આગામી વાઇબ્રન્ટ સમિટ-2024 ગાંધીનગરમાં યોજાવાની છે ત્યારે મુખ્ય માર્ગોની બાજુમાં ફુટપાથ, લેન્ડ સ્કેપિંગ, 3 ઓવરબ્રિજ અને 2 અંડરપાસનું થીમ બેઇઝ્ડ પેઇન્ટિંગ અને આર્ટ વર્ક સહિતના પાંચ જેટલા આંતરમાળખાકીય વિકાસ કામો 35.50 કરોડના ખર્ચે હાથ ધરવાની પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

આ કામો ઉપરાંત મુખ્યમંત્રીએ ગાંધીનગર મહાનગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો માટેની બે દરખાસ્તો જેમાં રક્ષાશક્તિ સર્કલથી કોબા સર્કલના રોડનું બ્યુટિફિકેશન એન્‍ડ લેન્ડ સ્કેપિંગ અને મહાનગરપાલિકામાં સમાવાયેલા ગામોમાં નવા સિમેન્ટ કોંક્રિટ રોડ બનાવવાનો સમાવેશ થાય છે. તેના માટે પણ 10.70 કરોડ રૂપિયા સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાંથી ફાળવવાની મંજૂરી આપી છે.

મુખ્યમંત્રીએ સુરત અને વડોદરા મહાનગરપાલિકાઓને પણ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે વિકાસકામો માટે રકમ ફાળવી છે. સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં નાનપુરા અને નોર્થ ઝોનમાં કતાર ગામ વિસ્તારોમાં ઓડિટોરિયમ નિર્માણના 2 કામો માટે 145 કરોડ રૂપિયા ફાળવવા સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ ઉપરાંત આઉટગ્રોથ વિસ્તાર વિકાસ કામો અન્‍વયે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝના 21 કામો, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝના 19 કામો અને અર્બન મોબિલિટીના બે કામો એમ 75 કામો માટે 151.25 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત રોડ કાર્પેટીંગ, રી-કાર્પેટિંગ તથા હયાત માર્ગો પહોળા કરવા અને ફુટપાથ સહિતના 175 કામો માટે સુરત મહાનગરપાલિકા માટે 63.81 કરોડ રૂપિયા મુખ્યમંત્રીએ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા મહાનગરપાલિકાને આઉટગ્રોથ વિસ્તારોમાં પાણી પુરવઠો, વરસાદી ગટરના કામો, ડ્રેનેજ તથા રોડના કામો, પેવર બ્લોક કામો જેવા કૂલ ૧૬૪ કામો માટે 56.70 કરોડની ફાળવણી માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ બધા જ વિકાસકામો નગરો-મહાનગરોમાં લોન્ગ ટર્મ સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટની નવી દિશા આપશે અને શહેરીજીવન વધુ સુવિધાયુક્ત બનશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.