Gujarat Assembly session: વિધાનસભા ગૃહ ખાતે ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘જલ જીવન મિશન‘ અમલમાં મૂકીને દેશના દરેક ઘર સુધી નલ સે જલ પહોંચાડવાનું શુભ કામ કર્યું છે. તે જ દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર સતત આગળ વધી રહી છે.
નાંદોદ અને ગરુડેશ્વર તાલુકાની હયાત જૂથ પાણી પુરવઠા યોજનાની વિગતો આપતા મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, રૂ. 25.24 કરોડની જીતનગર - સુંદરપુરા સુધારા પાણી પુરવઠા યોજના હેઠળ ગરુડેશ્વર તાલુકાના 22 અને નાંદોદ તાલુકાના 07 ગામોને સમાવવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ. 42.77 કરોડની નર્મદા નો-સોર્સ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (ભાગ-1) તેમજ રૂ. 3.03 કરોડની (ભાગ-2) યોજના હેઠળ ગરુડેશ્વર તાલુકાના 12-12 ગામોને સમાવી લેવામાં આવ્યા છે.
તેમણે વિગતો આપતા ઉમેર્યું કે, નર્મદા જિલ્લાના નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાની હયાત જૂથ પાણી પુરવઠા યોજનાના સુધારણાના કામો હાથ ધરવામાં આવી રહ્યા છે. જીતનગર - સુંદરપુરા સુધારા પાણી પુરવઠા યોજનાનું કામ જુલાઈ-2023માં પૂર્ણ કરી પાણી પુરવઠો શરૂ કરવામાં આવ્યો છે. ત્યારે બાકી રહેતી નર્મદા નો-સોર્સ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજના (ભાગ-1) તેમજ (ભાગ-2)ના કામ હાલ પ્રગતિ હેઠળ છે, જે જૂન-2024 સુધીમાં પૂર્ણ થશે.
વધુ વિગતો આપતા તેમણે ઉમેર્યું કે, દેડીયાપાડા અને સાગબારા તાલુકાની ઝરવાની જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ 54 ગામો તેમજ દેડીયાપાડાની સાગબારા-દેડીયાપાડા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ૬ ગામોને સમાવી લેવામાં આવ્યા છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
