Dwarka Janmashtami Utsav 2026: જગતમંદિર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવને લઈને દેશ-વિદેશના લાખો શ્રદ્ધાળુઓમાં અદ્ભુત ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ મંગળા આરતી, પંચામૃત અભિષેક અને ખુલ્લા પડદે સ્નાન સાથે વિવિધ ધાર્મિક વિધિઓ અને ઉત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. આ પવિત્ર ક્ષણની ભવ્યતાને બેવડાવવા માટે સાંજે 8:00 વાગ્યે ભવ્ય 'દ્વારકા ઉત્સવ 2026' સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જન્માષ્ટમીની ઉજવણી શરૂ, કાનુડાના જન્મની આતુરતા
આજે કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે દ્વારકામાં વહેલી સવારથી જ મંગળા આરતી, પંચામૃત અભિષેક અને ખુલ્લા પડદે સ્નાન સાથે વિવિધ ધાર્મિક વિધિઓ અને ઉત્સવનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે. લાખો ભક્તો ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ ના નાદ સાથે ભગવાનના જન્મની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જન્માષ્ટમીના આ પર્વે દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના પવિત્ર ધામોમાં ભક્તોનું કીડીયારું ઉભરાયું છે.
દ્વારકાધીશ મંદિરમાં દર્શનનો સમય અને વિશેષ શણગાર
ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને દ્વારકાધીશ મંદિરમાં વિશેષ દર્શન અને સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દ્વારકામાં દર્શન માટે વિશેષ સમયપત્રક નીચે મુજબ રહેશે:
મંગળા આરતી: સવારે 6 વાગ્યે
મંગળા દર્શન: સવારે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી
ખુલ્લા પડદે સ્નાન અભિષેક દર્શન: સવારે 8 વાગ્યે
સ્નાન ભોગ (દર્શન બંધ) સવારે 10 વાગ્યે
શ્રુંગાર ભોગ (દર્શન બંધ) સવારે 10:30 વાગ્યે
શૃંગાર આરતી: સવારે 11 વાગ્યે
ગ્વાલ ભોગ: સવારે 11:15 વાગ્યે
રાજભોગ (દર્શન બંધ) બપોરે 12 વાગ્યે
અનોસર (મંદિર બંધ) બપોરે 1થી 5 વાગ્યે
ઉત્થાપન દર્શન: સાંજે 5 વાગ્યે
સંધ્યા આરતી: સાંજે 7:30 વાગ્યે
જન્માષ્ટમી મહોત્સવના આરતી દર્શન: રાત્રે 12 વાગ્યે
અનોસર (મંદિર બંધ): રાત્રે 2:30 વાગ્યે
આ ખાસ અવસરે દ્વારકાધીશ ભગવાનને વિશેષ વસ્ત્રો, આભૂષણો અને મનોહર ફૂલોથી શણગારવામાં આવશે, જે ભક્તો માટે મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.
'દ્વારકા ઉત્સવ-2026' સાંસ્કૃતિક કાર્યક્રમની ભવ્ય રમઝટ
આજે 4 સપ્ટેમ્બર 2026, શુક્રવારના રોજ સાંજે 8:00 વાગ્યે દ્વારકામાં હાથી ગેટની બાજુમાં આવેલા નગરપાલિકા પાર્કિંગ ગ્રાઉન્ડ ખાતે ‘દ્વારકા ઉત્સવ-2026’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ભવ્ય લોક સાહિત્ય અને ભક્તિ સંગીતના કાર્યક્રમમાં ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા ગીતાબેન રબારી અને જાણીતા લોકગાયક ભાવેશ આહિર પોતાના મધુર કંઠે સંગીત અને લોકગીતોની ભવ્ય રમઝટ જમાવશે.
મુખ્ય મહેમાન કુંવરજી બાવળિયા અને ગૌરવવંતા અતિથિ
આ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકાર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્રના સંચાલન હેઠળ થઈ રહ્યું છે. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મંત્રી કુંવરજી બાવળિયા વિશેષ ઉપસ્થિત રહેશે. તેમની સાથે અતિથિ વિશેષ તરીકે ગૌરીબેન ડાથિયા, પૂનમબેન માડમ, જીતેન્દ્રભાઈ કણજારીયા, પબુભા માણેક, મુળુભાઈ બેરા અને હેમંતભાઈ ખવા પણ ઉપસ્થિત હશે. આ સુંદર આયોજનથી પવિત્ર કૃષ્ણનગરી દ્વારકામાં ભક્તિ અને સાંસ્કૃતિક વિરાસતનો એક અનોખો સમન્વય જોવા મળશે.
