Gir Somnath rain: કોડીનાર પંથકના ગીરમાં છેલ્લા દસ દિવસથી પડી રહેલા અવિરત વરસાદના કારણે જમજીરના ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારે વરસાદ બાદ શિંગોડા ડેમ જુલાઈ માસના રૂલ લેવલે છલકાયો છે જેના કારણે ડેમનો એક દરવાજો 0.30 મીટર સુધી ખોલવાની ફરજ પડી હતી. ડેમનો દરવાજો ખોલતા પુષ્કળ પ્રમાણમા પાણી શિંગવડા નદીમાં વહી રહ્યું છે. જેના કારણે જમીજીરના ધોધ પર પાણીની આવક વધતા ધોધ તેના રૌદ્ર સ્વરૂપે ગરજી રહ્યો છે.
આ જમજીરના ધોધને જોવા માટે સેંકડો પર્યટકો આવતા હોય છે. પરંતુ હાલમાં ધોધના રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે જેના કારણે અનેક કિલોમીટર ફરી કાચા રસ્તા પર જવાની ફરજ પડી છે. જેટલો આ ધોધ રમણીય અને નયન રમ્ય લાગે છે તેટલો જ તે ખોફનાક અને ભયાનક પણ છે. ધોધ નજીક સેલ્ફી લેવી કે નહાવું ખતરનાક છે. અકસ્માતે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે જેના કારણે પ્રશાસન દ્વારા અહીં નજીક ન જવા અને ધોધમાં નહાવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
