Gujarat Rain Update: સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. બે દિવસ સુધી દ્વારકા જિલ્લાને ઘમરોળ્યા બાદ હવે મેઘરાજાએ કલ્યાણપુર તાલુકામાં ધામા નાખ્યા છે. આજે સવારથી કલ્યાણપુર તાલુકામાં 11 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે જાણો આજે ક્યાં કેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 108 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સૌથી વધુ વરસાદ કલ્યાણપુરમાં 11 ઈંચ, માણાવદરમાં 6 ઈંચ, માળિયા હાટિનામાં 5 ઈંચથી વધુ, ઉપલેટામાં પાંચ ઈંચ, ગીર ગઢડામાં 5 ઈંચ, વિસાવદરમાં 4 ઈંચ, પલસાણામાં પોણા ચાર ઈંચ, રાણાવાવ, વાપી, કેશોદ અને કામરેજમાં 3 ઈંચ, ઉમરપાડા, બારડોલી અને કુતિયાણામાં પોણા 3 ઈંચ, કપરાડા, જુનાગઢ તાલુકા, જુનાગઢ શહેર, ચીખલી, નવસારી, જલાલપોર અને ધરમપુરમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ અન્ય 87 તાલુકામાં સામાન્યથી 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.
આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સુરત, ભાવનગર, અમરેલી, નર્મદા, ગીર સોમનાથ, ભરૂચમાં અતિભારે વરસાદ થવાની શક્યતા હોય રેડ એલર્ટ જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહલ અને દાહોદમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે.
