Dwarkadhish Temple Darshan Timings: યાત્રાધામ દ્વારકા ખાતે આવેલા વિશ્વ પ્રસિદ્ધ દ્વારકાધીશ જગત મંદિરે દિપોત્સવ પર્વ નિમિત્તે દર્શન વ્યવસ્થામાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે. ધનતેરસના પવિત્ર દિવસથી લઇને ભાઈબીજ સુધી શ્રીજીના દર્શન, મંગલા આરતી, અન્નકૂટ ઉત્સવ અને હાટડી દર્શન માટેનું વિશેષ સમયપત્રક મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
ધનતેરસ અને દિવાળીના દર્શન
ધનતેરસના દિવસે દ્વારકાધીશ મંદિરમાં શ્રીજીની મંગલા આરતી સવારે 6.30 કલાકે થશે. ત્યારબાદ બપોરના 1,00થી સાંજે 5.00 વાગ્યા સુધી મંદિર અનૌસર રહેશે. ત્યારબાદ સાંજે 5.00 કલાકે ઉત્થાપન દર્શન થશે અને રાત્રે 9.45 કલાકે મંદિર બંધ થશે.
દ્વારકાધીશના દર્શનના સમયમાં ફેરફાર
દિવાળીના દિવસે મંગલા આરતી 5.30 કલાકે થશે. સવારે 7.00થી 8 વાગ્યા સુધી દ્વારકાધીશના સ્નાન દર્શન યોજાશે. બપોરે 1.00થી 5.00 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. આ ઉપરાંત સાંજના 5 વાગ્યે ઉત્થાપન દર્શન બાદ રાત્રે 8.15 લાકે વિશેષ હાટડી દર્શન યોજાશે. રાત્રે 9.45 કલાકે ઠાકોરજીના શયન બાદ મંદિરને બંધ કરી દેવાસે.
અન્નકૂટ ઉત્સવ અને નવું વર્ષ
સોમવારે અન્નકૂટ ઉત્સવ પ્રસંગે શ્રીજીની મંગલા આરતી સવારે 6:00 કલાકે થશે. સવારે 11:30 વાગ્યે ગોવર્ધન પૂજા યોજાશે. બપોરે 1:00 થી 5:00 વાગ્યા સુધી મંદિર બંધ રહ્યા બાદ સાંજે 5:00 થી 7:00 વાગ્યા સુધી ભક્તો અન્નકૂટ દર્શન કરી શકશે. રાત્રે 9:45 વાગ્યે અનોસર થશે.
બેસતા વર્ષના દિવસે સવારે 7:00 કલાકે નૂતનવર્ષની મંગલા આરતી થશે. બપોરે 1:00 થી 5:00 વાગ્યા સુધી મંદિર અનોસર રહેશે. સાંજે 5:00 વાગ્યે ઉત્થાપન દર્શન અને રાત્રે 9:45 વાગ્યે મંદિર બંધ થશે. 11 નવેમ્બર બુધવારે ભાઈબીજના દિવસથી શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ રાબેતા મુજબ રહેશે.
