દ્વારકાધીશ મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર, 15 નવેમ્બર સુધી રહેશે લાગુ; જાણો નવું સમયપત્રક

નવા સમયપત્રક મુજબ, આગામી 15 નવેમ્બર, 2026 સુધી દરરોજ સવારે મંગળા આરતી સવારે 6:30 કલાકે સંપન્ન થશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 10 Nov 2026 05:42 PM (IST)Updated: Tue, 10 Nov 2026 05:42 PM (IST)
dwarka-dwarkadhish-temple-darshan-timing-change-november-2026

Dwarka Temple Darshan Timing: દિવાળી અને નવા વર્ષના પવિત્ર તહેવારમાં દ્વારકા જગત મંદિર ખાતે દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે આવી રહ્યા છે. શ્રદ્ધાળુઓ શાંતિથી વધુ સમય માટે ભગવાન શ્રીજીના દર્શનનો લ્હાવો લઈ શકે તે હેતુસર દ્વારકાધીશ જગત મંદિરમાં આગામી 15 નવેમ્બર, 2026 સુધી દર્શનના સમયમાં વિશેષ ફેરફાર કરવામાં આવ્યો છે.

નવા સમયપત્રક મુજબ, આગામી 15 નવેમ્બર, 2026 સુધી દરરોજ સવારે મંગળા આરતી સવારે 6:30 કલાકે સંપન્ન થશે. આ ઉપરાંત, બપોરના સમયે વિરામ બાદ મંદિર ખૂલવાના સમયમાં પણ બદલાવ કરી હવે સાંજે 5 વાગ્યાને બદલે બપોરે 4 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેથી વહેલા દર્શને આવતા ભક્તોને લાંબો સમય રાહ જોવી ન પડે.

જોકે, આ ફેરફાર સિવાયના અન્ય તમામ દર્શન અને આરતીનાનિત્યક્રમો રાબેતા મુજબ અગાઉની જેમ જ ચાલુ રહેશે. પૂજારી પરિવાર અને મંદિર વહીવટી તંત્ર દ્વારા સંયુક્તપણે દર્શનના સમયમાં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન પડે અને તેઓ ઉત્સાહપૂર્વક દર્શન કરી શકે છે.

મંદિર પ્રશાસન અને વહીવટી તંત્રના આ નિર્ણયને કારણે દ્વારકાધામ પધારતા હરિભક્તો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તહેવારોના દિવસોમાં વધતી ભીડને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ પગલાથી દર્શન વ્યવસ્થા વધુ સરળ અને સુવ્યવસ્થિત બની છે. જેના કારણે લાખો ભક્તો સુખરૂપ અને દિવ્ય માહોલમાં કાળિયા ઠાકોરના ચરણોમાં શીશ નમાવીને ધન્યતા અનુભવી રહ્યા છે.