Devbhumi Dwarka: ગુજરાતમાં એકસાથે 3 વરસાદની સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જે અંતર્ગત મેઘરાજા ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે મેઘરાજા દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં સાર્વત્રિક તોફાની બેટિંગ કરી રહ્યાં છે. આજે આખા દિવસ દરમિયાન દ્વારકામાં 12 ઈંચ સુધી ધોધમાર વરસાદ ખાબક્યો છે.
ખાસ વાત એ છે કે, સાંજે 4 થી 6 કલાકના સમયગાળા દરમિયાન જ દ્વારકા તાલુકામાં 9 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના પગલે દેવભૂમિ-દ્વારકામાં ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. દ્વારકાના રસ્તા પર ઘૂંટણસમા પાણી વહેતા થઈ ગયા છે. આ સિવાય ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના પગલે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે.
દ્વારકા ઉપરાંત અન્ય તાલુકામાં વરસાદના આંકડા જોઈએ તો, આજે વહેલી સવારથી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાક દરમિયાન કલ્યાણપુર તાલુકામાં 6 ઈંચ, ખંભાળિયામાં સાડા 4 ઈંચ અને ભાણવડમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડેલા વરસાદના કારણે પાણી ફરી વળતા રસ્તા ધોવાઈ જવાથી અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં ભાટિયા ગામે પાણી ફરી વળતા NDRFની ટીમે બે વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બચાવી લીધા હતા. કલેકટર જી.ટી.પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રશાસનની ટીમોએ નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત કર્યા છે.
આજે આખા દિવસ દરમિયાન 103 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ દ્વારકા જિલ્લામાં 304 મિ.મી., પોરબંદરમાં 215 મિ.મી,જૂનાગઢના કેશોદમાં 212 મિ.મી., વંથલીમાં 179 મિ.મી. ઉમરગામમાં 156 મિ.મી. અને કલ્યાણપુર તાલુકામાં 151 મિ.મી વરસાદ વરસ્યો છે.
જ્યારે સાંજે 4 થી 6ના બે કલાકના સમયગાળા દરમિયાન 43 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી દ્વારકામાં સૌથી વધુ 230 મિ.મી (9 ઈંચ) વરસાદ ખાબક્યો છે. આ સિવાય કલ્યાણપુરમાં 39 મિ.મી, જામનગરના કાલાવડમાં 30 મિ.મી, અને દ્વારકાના ખંભાળિયામાં 27 મિ.મી જેટલો વરસાદ નોંધાયો છે.
કલ્યાણપુર પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદે અનેક સ્થળોએ જાણે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ધોધમાર વરસાદના કારણે ઠેર-ઠેર જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી હતી. ભારે ઉકળાટ બાદ ગઈકાલથી શરૂ થયેલા વરસાદમાં કલ્યાણપુર તાલુકાના ભાટિયા, નંદાણા, પટેલકા સહિતનાં ગામોમાં બેથી ત્રણ ઈંચ વરસાદ વરસી જતાં ખેતરો પાણીથી તરબોળ બન્યાં હતાં. ભાટિયા ગામના બસ સ્ટેશન ચોક, રેલવે સ્ટેશન રોડ, મેઈન બજાર સહિતના માર્ગો પર નદી જેવાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. (In Pic. ભાટીયા ગામે NDRF દ્વારા બે વ્યક્તિઓને પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે રેસ્ક્યુ કરાયા)
