Devbhumi Dwarka: ગોમતી ઘાટમાં ન્હાવા પડેલા જામનગરના 7 જણા ડૂબ્યા, યુવતીનું મોત; એકની હાલત નાજુક

નદીમાં ન્હાવા પડેલી એક યુવતી ઊંડા પાણીમાં ખેંચાઈ જતાં તેને બચાવવા જતાં એક પછી એક પાણીમાં ગરકાવ થવા લાગ્યા. ઊંટને પાણીમાં ઉતારી રેસ્ક્યૂ હાથ ધરાયું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 05 Jun 2025 04:46 PM (IST)Updated: Thu, 05 Jun 2025 04:46 PM (IST)
devbhumi-dwarka-news-7-drown-in-gomti-ghat-1-dead
Spot Visual
HIGHLIGHTS
  • દરિયામાં કરંટના પગલે ગોમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા સર્જાઈ કરુણાંતિકા

Devbhumi Dwarka: યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ પવિત્ર ગોમતી નદીના ગોમતી ઘાટમાં આજે બપોરના સમયે મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં જામનગરના 4 યુવતી અને 3 યુવક સહિત કુલ 7 લોકો ડૂબી ગયા હતા. જે પૈકી એક યુવતીનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક યુવતીની હાલત ગંભીર હોવાનું માલૂમ પડ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આજે બપોરના સમયે જામનગરથી દ્વારકા આવેલી ચાર યુવતીઓ ગોમતી ઘાટમાં ન્હાવા પડી હતી. આ દરમિયાન એક યુવતી ઊંડા પાણીમાં ખેંચાઈ ગઈ હતી. જેને બચાવવાના પ્રયાસમાં એક પછી એક અન્ય ત્રણ યુવતીઓ પણ ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. આ સમયે ઘાટ પર ઉપસ્થિત અન્ય શ્રદ્ધાળુઓ તેમજ સ્થાનિક તરવૈયા, ફાયર બ્રિગેડ અને ઘાટ નજીક ઊંટની ફેરી મારનાર લોકોએ તાત્કાલિક પાણીમાં ઉતરી રેસ્ક્યુ હાથ ધર્યું હતુ. જેના પરિણામે 3 યુવતીઓને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવી હતી.

જો કે એક યુવતી ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં તેનું મોત નીપજ્યું હતુ. જ્યારે અન્ય 3 યુવતીઓને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં એક યુવતીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં મૃતકની ઓળખ ભાગ્યેશ્વરી તરીકે થઈ છે, જેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. આ ઘટનામાં અન્ય 4 યુવકો પણ ડૂબ્યા હતા, જેમને પણ પાણીમાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, નગર પાલિકાના અધિકારીઓ અને નગર સેવકો સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ તો ભોગ બનનાર યુવતીઓના પરિવારજનોને આ ઘટના અંગે જાણ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં ગોમતી ઘાટ પર ડૂબી જવાની આ ત્રીજી ઘટના છે.