Devbhumi Dwarka: કોરોના કાળ બાદ હાર્ટ એટેકથી મોતના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓથી માંડીને કામ કરતા યુવકો અને વૃદ્ધો અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મોતને ભેટી રહ્યાં છે, ત્યારે દેવભૂમિ-દ્વારકા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી હ્રદય રોગના હુમલામાં 2 યુવક અને એક વૃદ્ધ મોતને ભેટ્યા છે.
એક બનાવ ખંભાળિયામાંથી સામે આવ્યો છે. જેમાં અહીંના ગાયત્રીનગરમાં રહેતો ભરત ધારાણી (24) નામના યુવકને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ભરતના અકાળે અવસાનથી પરિવાર તેમજ ચારણ સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
બીજા બનાવમાં કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામમાં રહેતા રામાભાઈ જાદવ (62)ને શ્વાસ લેવામાં તકલીફ થતાં પરિવારજનો તેઓને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ રામાભાઈનું હાર્ટ એટેકથી મોત થયુ હોવાનું જાહેર કર્યું હતુ.
અન્ય એક બનાવ ઓખામાંથી સામે આવ્યો છે. જ્યાં ઓખાના મેઈન બજારમાં રહેતો અજયગીરી (37) નામનો યુવક ગત 28ની રાતે જમીને ઘરની બાલકનીમાં સૂઈ ગયો હતો, જે સવારે ઉઠ્યો જ નહતો. અજયગીરીનું પણ હાર્ટ એટેકથી મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
