Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના મોડપર ગામે રહેતી પરીણિતાએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેથી તેને સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાણવડ તાલુકાના મોડપર ગામમાં રહેતા સંતોકબેન ઉર્ફે સતીબેન નંદાણીયા (30) નામની પરિણીતાએ ગઈકાલે પોતાના ઘરે ઝેરી દવા ગટઘટાવી લીધી હતી. જેથી તેને સારવાર અર્થે સૌ પ્રથમ ભાણવડ અને પછી ઉપલેટામાં પ્રાથમિક સારવાર બાદ વધુ સઘન સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન સંતોકબેને દમ તોડ્યો હતો. આ બાબતે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં મૃતક સંતોકબેને 2012માં પોતાની જ જ્ઞાતિના નગાભાઈ નામના યુવક સાથે પ્રેમલગ્ન કર્યાં હતા. આ લગ્ન થકી તેમને એક પુત્ર અને પુત્રી એમ બે સંતાનો છે. જો કે સંતોકબેને પ્રેમલગ્ન કરતાં કલ્યાણપુર ગામમાં રહેતા તેમના પિતા ગોવાભાઈએ સંતોકબેન સાથે સબંધ તોડી નાંખ્યા હતા.
આ બાબતે લાગી આવતા સંતોકબેને ઝેર પીને જિંદગી ટૂંકાવી હોવાનું માલૂમ પડ્યો છે. સંતોકબેનના અંતિમ પગલાથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે, જ્યારે પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
