Devbhoomi Dwarka: ખંભાળિયામાં યુવકનો આપઘાત, મંગેતર સાથે વીડિયો કોલમાં વાત કરતાં-કરતાં ગળે ફાંસો ખાઈ લીધો

પિતાએ દીકરાના સાઢુની મદદથી દરવાજો તોડીને રૂમમાં જોતા પુત્ર ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 08 Jun 2025 09:46 PM (IST)Updated: Sun, 08 Jun 2025 09:46 PM (IST)
devbhoomi-dwarka-news-man-commit-suicide-while-talking-with-fiance-on-video-call
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • સાસુએ બીજા જમાઈને તાબડતોડ બચાવવા મોકલ્યા

Devbhoomi Dwarka:દેવભૂમિ-દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયામાં આપઘાતનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક યુવકે પોતાની ભાવિ પત્ની સાથે મોબાઈલમાં વીડિયો કૉલિંગ પર વાત કરતાં-કરતાં ગળે ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ખંભાળિયા રેલવે સ્ટેશન રોડ પર આવેલી શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા રાકેશ ગોહેલ (29)ની 20 દિવસ પહેલા જ પોરબંદરમાં રહેતી યુવતી સાથે થઈ હતી. જ્યારે તેની પત્નીની બહેનની સગાઈ પણ નજીકમાં રહેતા સાહિલ નામના યુવક સાથે થઈ હતી. આમ બન્ને સાઢુભાઈ નજીકના અંતરે જ રહેતા હતા.

ગત શુક્રવારે રાતે સવા 11 વાગ્યની આસપાસ રાકેશના પિતા દીપકભાઈ ઘરની બહાર સુતા હતા. આ સમયે રાકેશનો સાઢુ સાહિલ ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે, જલ્દી દરવાજો ખોલો, અંદર રાકેશ ગળે ફાંસો ખાઈ રહ્યો છે. આથી પિતાએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ અંદરથી બંધ હતો.

આખરે દિપકભાઈ અને સાહીલે ધક્કા મારીને દરવાજો તોડી નાંખ્યો હતો. જે બાદ રૂમમાં અંદર જઈને જોતા રાકેશ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો હતો.

પ્રાથમિક તપાસમાં મૃતક રાકેશ ખંભાળિયા નગર પાલિકામાં રોજમદાર કર્મચારી તરીકે કામ કરતો હતો. જ્યારે તેની માતા ખાનગી હોસ્પિટલમાં નોકરી કરે છે. આ બનાવના સમયે રાકેશે પોતાની મંગેતર સાથે ફોન પર વીડિયો કોલ કરીને પોતે આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતુ. જેથી મૃતકની સાસુએ બીજા જમાઈને ફોન કરીને તાત્કાલિક રાકેશના ઘરે મોકલ્યો હતો. જો કે તે પહોંચે તે પહેલા જ રાકેશે અંતિમ પગલું ભરી લીધુ હોવાનું માલૂમ પડ્યું છે.