Bet Dwarka Corridor Project: ગુજરાત સરકાર 'બેટ દ્વારકા કોરિડોર' વિકસાવવાની યોજના પર કામ કરી રહી છે. આ વિસ્તારને વિશ્વસ્તરીય આધ્યાત્મિક અને ઇકો-ટુરિઝમ હબમાં પરિવર્તિત કરવા માટે એક વ્યાપક પુનર્વિકાસ યોજના શરૂ કરવામાં આવી છે.
આ પ્રોજેક્ટ કાશી વિશ્વનાથ અને ઉજ્જૈન મહાકાલ કોરિડોરની તર્જ પર તૈયાર કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય દ્વારકા આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે સુવિધાઓનું આધુનિકીકરણ કરવાનો છે.
બેટ દ્વારકા કોરિડોરનો માસ્ટર પ્લાન તૈયાર
NDTV ના અહેવાલ મુજબ, શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, રાજ્યના મહેસૂલ વિભાગે 31 સર્વે નંબરોમાં ફેલાયેલી એક હેક્ટરથી વધુ જમીન સંપાદિત કરવા માટે સત્તાવાર જાહેરનામું બહાર પાડ્યું છે. દ્વારકાના ડેપ્યુટી કલેક્ટરને જમીન ખાલી કરાવવાની અને જરૂરી કાનૂની પ્રક્રિયાઓને ઝડપી બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.
જગત મંદિર (દ્વારકા મંદિર) સંકુલના એક નોંધપાત્ર હિસ્સાનો ઉપયોગ આધુનિક માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે કરવામાં આવશે. આ વિસ્તરણની સાથે, વહીવટીતંત્ર મંદિરની આસપાસની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે સઘન ઝુંબેશ ચલાવી રહ્યું છે.
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, શ્રદ્ધાળુઓના કલ્યાણ માટે નિર્ધારિત જમીન પરના તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે. આનાથી જાહેર સુવિધાઓનો વિકાસ થઈ શકશે અને મંદિરે આવતા શ્રદ્ધાળુઓ માટે મુલાકાત વધુ સુગમ બનશે.
'સુદર્શન સેતુ' બાદ હવે આ નવો પ્રોજેક્ટ
દ્વારકા કોરિડોર પ્રોજેક્ટ એ તાજેતરમાં લોકાર્પણ કરાયેલા સુદર્શન સેતુની પછી શરુ કરવામાં આવ્યો છે. જે ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ છે. જે ઓખાને બેટ દ્વારકા સાથે જોડે છે.
આ કેબલ-સ્ટેડ બ્રિજનું નિર્માણ અંદાજે ₹1,200 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. તેના પદયાત્રી માર્ગો પર શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો અને ભગવાન શ્રીકૃષ્ણના વિવિધ ચિત્રાંકનો કંડારવામાં આવ્યા છે.
આ પુલ કોઈપણ હવામાનમાં, 24 કલાક ખુલ્લો રહે છે. આનાથી જૂની હોડીઓ (ફેરી) પર નિર્ભર રહેવાની જરૂરિયાત દૂર થઈ છે; કારણ કે, ચોમાસા દરમિયાન જ્યારે દરિયો તોફાની બનતો, ત્યારે ઘણીવાર આ હોડીઓની સેવા બંધ કરી દેવી પડતી હતી.
