Gujarat Rain Report September 08: ગુજરાતમાં વરસાદ તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ભાગમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના સરકારી આંકડા પ્રમાણે, તા.7થી 8 સપ્ટેમ્બરના રોજ સવારે 6 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સુરત જિલ્લાના અનેક તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
ડાંગ અને નવસારી જિલ્લામાં નોંધપાત્ર વરસાદ
અહેવાલ અનુસાર, ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં સૌથી વધુ 1.02 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જ્યાં 0.98 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, ડાંગના આહવા તાલુકામાં 0.2 ઇંચ અને સુબિર તાલુકામાં 0.12 ઇંચ વરસાદ વરસ્યો છે. નવસારીના ચીખલી તાલુકામાં પણ 0.12 ઇંચ વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ
તાપી જિલ્લામાં પણ સારો એવો વરસાદ જોવા મળ્યો છે, જ્યાં જિલ્લાના નિઝર તાલુકામાં 0.87 ઇંચ અને કુકરમુંડા તાલુકામાં 0.63 ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય ઉચ્છલ અને વાલોડ તાલુકામાં 0.08 ઇંચ, જ્યારે વ્યારા તાલુકામાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો છે.
વલસાડ અને સુરતમાં હળવી ઝાપટો
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકામાં 0.24 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે નાનાપોંઢા તાલુકામાં 0.12 ઇંચ અને ઉમરગામ તાલુકામાં 0.08 ઇંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લામાં પણ વરસાદની હાજરી રહી છે, જેમાં સુરત શહેર અને મહુવા તાલુકામાં 0.08 ઇંચ વરસાદ વરસ્યો છે.
