AAP MLA Chaitar Vasava: સાપુતારાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા પ્રસ્તાવિત ‘ગ્રીન કોરિડોર’ પ્રોજેક્ટ સામે દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં વિરોધનો વંટોળ ઉગ્ર બન્યો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી નેતા ચૈતર વસાવાની આગેવાનીમાં ડાંગ જિલ્લા ખાતે પ્રભાવિત ગામોના સરપંચો, ખેડૂતો અને સ્થાનિક પ્રતિનિધિઓની એક વિશાળ શિબિર યોજાઈ હતી. આ બેઠકમાં ઉપસ્થિત તમામ લોકોએ એકસૂરે સરકારના જમીન અધિગ્રહણના આયોજનનો વિરોધ કરી, જમીન ન આપવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
બેઠકનું આયોજન કરાયું
ધારાસભ્ય ચૈતર વસાવાએ સભાને સંબોધતા આકરા પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, "વિકાસના નામે સરકાર આદિવાસીઓની પૂર્વજોની જમીન છીનવવાનો પ્રયાસ કરી રહી છે. આ જમીન માત્ર માટીનો ટુકડો નથી, પણ આદિવાસીઓની સંસ્કૃતિ, પરંપરા અને અસ્તિત્વ છે. અમે સ્પષ્ટ કહીએ છીએ કે અમે એક ઇંચ જમીન પણ આપીશું નહીં." તેમણે વધુમાં ઉમેર્યું કે સરકાર જે વિકાસના કલ્પિત ફાયદા બતાવી રહી છે, તે વાસ્તવમાં આદિવાસી સમાજને જડમૂળથી ઉખેડી નાખવાનું ષડયંત્ર છે.
માહિતીના અભાવે અવિશ્વાસની ખાઈ
શિબિરમાં ઉપસ્થિત સરપંચો અને ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે સરકાર દ્વારા આ પ્રોજેક્ટ અંગે કોઈ પારદર્શક માહિતી આપવામાં આવી નથી. જમીનની કિંમત અને રોજગારીના વાયદાઓ અંગે કોઈ લેખિત ખાતરી નથી. ખેડૂતોને ભય છે કે જો જમીન જશે તો પેઢીઓથી ચાલતી ખેતી અને પશુપાલનનો વ્યવસાય નષ્ટ થઈ જશે. ગ્રામસભાની મંજૂરી વિના જ પ્રક્રિયા આગળ વધારવાના પ્રયાસો સામે રોષ જોવા મળ્યો હતો.
લોકશાહી ઢબે લડતની તૈયારી
બેઠકના અંતે સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો કે જો સરકાર જમીન અધિગ્રહણની પ્રક્રિયા પર જબરદસ્તી કરશે, તો કાયદાકીય અને લોકશાહી માર્ગે આંદોલન છેડવામાં આવશે. ચૈતર વસાવાએ વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ આ મુદ્દાને સરકાર સમક્ષ રજૂ કરશે અને આદિવાસીઓના હિતોનું રક્ષણ કરવા માટે છેલ્લી ઘડી સુધી લડશે.
વિકાસ અને આદિવાસી હક્કો વચ્ચેની આ લડાઈ હવે વધુ તીવ્ર બની રહી છે. સાપુતારા અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા પ્રવાસન સ્થળોને જોડતો આ હાઈવે પ્રોજેક્ટ હવે આદિવાસી અસ્મિતાના જંગમાં ફેરવાઈ ગયો હોય તેમ જણાય છે.
