Dahod Sanjeli Clash: દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા ગામે ત્રણ મહિના અગાઉ બનેલી અકસ્માતની એક ઘટનાને લઈને સર્જાયેલી જૂની અદાવતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. જૂના વિવાદના સમાધાનને મુદ્દે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું મચી ગયું હતું અને મામલો થાળે પાડવા પહોંચેલી પોલીસ ટીમ પર પણ ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવને કારણે સમગ્ર પંથકમાં ભારે તંગદિલી અને ચકચાર મચી ગઈ છે.
અકસ્માતના જૂના વિવાદમાં યુવકને બનાવ્યો હતો બંધક
પ્રાપ્ત વિગતો અનુસાર, આશરે ત્રણ મહિના અગાઉ કરંબા ગામે એક અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતના બનાવમાં હત્યા સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેના કારણે બંને પક્ષો વચ્ચે ત્યારથી જ રંજ અને અદાવત ચાલી રહી હતી. આ જ જૂના વિવાદનું સમાધાન કરાવવા માટે એક બેઠક મળી હતી, જે દરમિયાન વાતચીત ઉગ્ર બનતા એક યુવકને બંધક બનાવવામાં આવ્યો હોવાની માહિતી તેના પરિવારજનોને મળી હતી. પરિવારજનોએ તાત્કાલિક કાયદાકીય મદદ માટે 112 ઈમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો.
પોલીસ કાફલા પર પથ્થરમારો અને વાહનોને નુકસાન
યુવકને હેમખેમ છોડાવવા માટે 112 ઈમરજન્સી સેવાર્થી પોલીસ ટીમ તાત્કાલિક કરંબા ગામે પહોંચી હતી. પરંતુ સ્થળ પર હાજર ઉત્તેજિત ટોળા સાથે પોલીસની બોલાચાલી થઈ હતી અને મામલો વધુ વણસ્યો હતો. પરિસ્થિતિની ગંભીરતાને પારખીને એ.એસ.પી. અને ડી.વાય.એસ.પી. સહિતના વરિષ્ઠ અધિકારીઓ તેમજ એલ.સી.બી., એસ.ઓ.જી. અને આસપાસના પોલીસ સ્ટેશનોનો મોટો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસ કાફલો પહોંચ્યા છતાં પણ ઉશ્કેરાયેલા ટોળાનો રોષ શાંત થયો ન હતો અને અચાનક પોલીસ કાફલા પર પથ્થરમારો શરૂ કરી દેવામાં આવ્યો હતો. આ હુમલામાં પોલીસ વિભાગના અનેક વાહનોને નુકસાન પહોંચ્યું હતું.
30 જેટલા શખ્સો રાઉન્ડઅપ, સઘન બંદોબસ્ત ગોઠવાયો
બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું હતું. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુનઃ સ્થાપિત કરવા માટે ગામ તથા આસપાસના વિસ્તારોમાં સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ સમગ્ર બનાવમાં સંડોવાયેલા હોવાની શંકાએ મહિલાઓ અને પુરુષો સહિત અંદાજે 30 જેટલા શખ્સોને રાઉન્ડઅપ કરીને પોલીસ દ્વારા કડક પૂછપરછ હાથ ધરવામાં આવી છે. હાલ જિલ્લા પોલીસ દ્વારા અતિશય સતર્કતા દાખવીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
