Dahod: ફતેપુરાની વરદાન હોસ્પિટલમાં ચાલુ સારવારે સગર્ભાનું મોત થતાં ડૉક્ટર સ્ટાફ સાથે ફરાર, મૃતક મહિલાના પતિની પોલીસમાં ફરિયાદ

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 27 Apr 2024 08:13 PM (IST)Updated: Sun, 28 Apr 2024 08:03 AM (IST)
dahod-news-medical-negligence-pregnant-woman-in-vardan-hospital-at-fatepura

Dahod: દાહોદ જિલ્લાના ફતેપુરામાં આવેલ વરદાન હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમિયાન સગર્ભાનું મોત થતાં ડૉક્ટર સહિતનો સ્ટાફ અન્ય દર્દીઓને પડતા મૂકીને ફરાર થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે મૃતક મહિલાના પતિએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ, ફતેપુરા તાલુકાના વાંગડ ગામમાં રહેતા અશ્વિન પારગી (28)ની પત્ની મિનાક્ષી પ્રેગ્નેન્ટ હોવાથી તેની સારવાર ફતેપુરા સ્થિત ડૉ. હિતેશ પટેલની વરદાન હોસ્પિટલમાં ચાલતી હતી.

ગત 25 એપ્રિલના રોજ 5 માસની ગર્ભવતી મિનાક્ષીને પ્રાઈવેટ પાર્ટમાં બ્લડિંગ શરૂ થઈ ગયું હતુ. જેથી પતિ અશ્વિન 108ની મદદથી તેને સારવાર અર્થે વરદાન હોસ્પિટલ લઈને આવ્યો હતો. જ્યાં ડૉ. હિતેશ પટેલે મિનાક્ષીની સારવાર શરૂ કરી હતી. જો કે રાતે સાડા 8 વાગ્યાની આસપાસ હોસ્પિટલના સ્ટાફે મિનાક્ષીને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરવાનું તેના પતિને જણાવ્યું હતુ. જેના માટે હોસ્પિટલ તરફથી ગાડીની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી હતી.

જો કે સગર્ભાને ગાડીમાં લઈ જવા માટે ઉઠાડતા તે હલનચલન કરતી નહતી. જેથી તેના પતિને શંકા જતાં તેણે ડોક્ટરને જાણ કરી હતી. જો કે હોસ્પિટલના તબીબને ખ્યાલ આવી ગયો કે, મહિલા દર્દીનું મોત થયું હોવાની જાણ તેના પતિને થઈ ગઈ છે. આથી તે અન્ય દર્દીઓને રેઢા મૂકીને પોતાના સ્ટાફ સાથે ભાગી છૂટ્યો હતો.

આ મામલે મૃતક મહિલાના પતિએ ફતેપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે PSI અને મામલતદાર સહિતના અધિકારીઓ વરદાન હોસ્પિટલે પહોંચ્યા હતા. જ્યાં મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે મોકલીને ફરાર થઈ ગયેલા તબીબને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.