Dahod: દાહોદ-ગોધરા હાઈવે નંબર 47 પર આવેલ લીમખેડાના વટેડા ગામની સીમમાં નંબર વગરની કારને અકસ્માત નડ્યો હતો. જેની જાણ થતાં દોડી આવેલી લીમખેડા પોલીસને અકસ્માતગ્રસ્ત કારમાંથી રૂ. 11 લાખની કિંમતનો અફીણ ડોડાનો જથ્થો મળી આવ્યો છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ ગોધરા નેશનલ હાઈવે નંબર 47 ૫ર આવેલ લીમખેડાના વટેડા ગામની સીમમાં પુરપાટ દોડી આવતી નંબર વગરની સિલ્વર કલરની એસયુવી ગાડી ચાલકની ગફલતને કારણે રોડની સાઈડમાં આવેલ લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈને પલટી ખાઈ ગઈ હતી. જો કે સમયસૂચકતા વાપરી ગાડીનો ચાલક ચાલુ ગાડીમાંથી કૂદી અંધારાનો લાભ લઇ નાસી છૂટ્યો હોવાનું મનાઈ રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ લીમખેડા પીઆઈ એસ.વી. વસાવા પોતાના સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.
ઘટના સ્થળે પહોંચેલ પોલીસને પલટી ખાઈ ગયેલ નંબર વગરની સિલ્વર કલરની SUV ગાડીની તલાશી લેતા તેમાંથી અલગ અલગ નંબર વાળી ચાર જેટલી નંબર પ્લેટો તથા રૂપિયા 11,03,580ની કિંમતના પ્રતિબંધિત અફીણના ડોડવા (પોશ ડોડા)નો જથ્થો મળી આવ્યો હતો. આથી લીમખેડા પોલીસે અફીણના ડોડાના જથ્થા સાથે કારનો કબજો લઈ તમામ મુદ્દામાલ SOGને સુપરત કર્યો છે. દાહોદ એસઓજી પોલીસે લીમખેડા પોલીસ સ્ટેશને આ અંગેની ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે આ સંદર્ભે સિલ્વર કલરની નંબર વગરની એસયુવી ગાડીના ચાલક વિરૂદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
