Dahod News: દાહોદ જિલ્લાના સિંગવડના હીરાપુર ગામના જંગલ વિસ્તારની કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક પ્રેમી યુગલે સોશિયલ મીડિયા લાઇવ કરીને આત્મહત્યા કરી છે. આત્મહત્યાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક યુવક અને સગીરાએ વડની ડાળી પર દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મૃતક સગીરા લીમખેડા તાલુકાના 'નિનામાની વાવ' ગામની વતની હતી, જ્યારે મૃતક યુવક રાજેશ રમણ નિનામા સિંગવડ તાલુકાના ફોફણ ગામનો રહેવાસી હતો. આ બંને પ્રેમીપંખીડા ગતરોજ હીરાપુર ગામના જંગલ વિસ્તારમાં પહોંચ્યા હતા. આપઘાત કરતા પૂર્વે તેમણે ઈન્સ્ટાગ્રામ પર લાઈવ વીડિયો શરૂ કર્યો હતો. આ લાઈવ પ્રસારણ દરમિયાન આશરે 57 જેટલા યુઝર્સ તેમને લાઈવ જોઈ રહ્યા હતા. વીડિયોમાં સૌપ્રથમ સગીરા વડની ડાળે દુપટ્ટો બાંધી નીચે કૂદી હતી અને ત્યારબાદ યુવકે પણ કૂદીને ફાંસો ખાઈ લીધો હતો.
આ પણ વાંચો

સોશિયલ મીડિયા પર આ ગંભીર અને કાળજું કંપાવતો વીડિયો વાયરલ થતાં જ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. ત્યારબાદ સ્થાનિક રહીશોએ જંગલમાં વૃક્ષ પર લટકતી હાલતમાં બંનેના મૃતદેહ જોતાં તુરંત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતા જ રણધીકપુર પોલીસની ટીમ અને સિંગવડ પીએસઆઈ એસ.એમ. ઝાલા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
ઘટના અંગે મૃતક સગીરાના પિતાએ રણધીકપુર પોલીસ મથકે જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બંને મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યા છે. પ્રેમીયુગલે કયા અગમ્ય કારણોસર આટલું આકરું પગલું ભર્યું તે અંગેનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી. રણધીકપુર પોલીસે વાયરલ થયેલા લાઈવ વીડિયો અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે ઘટનાનું સત્ય બહાર લાવવા માટે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
