Dahod News: દાહોદ જિલ્લાના દેવગઢબારીઆ સ્થિત જે. એસ. ચૌહાણ સરકારી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક (મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ) ડૉ. રહીમભાઈ ઇબ્રાહિમભાઈ મેમણ રૂ. 40 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો (ACB)ના છટકામાં રંગેહાથ ઝડપાઈ જતાં તબીબી આલમ અને સરકારી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો અનુસાર, સરકારના 'જિલ્લા રેસિડન્સી પ્રોગ્રામ' હેઠળ દેવગઢબારીઆની સિવિલ હોસ્પિટલ ખાતે કુલ 8 તાલીમાર્થી વિદ્યાર્થીઓની નિમણૂક કરવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં સુવ્યવસ્થિત અને સારી ડ્યુટી ફાળવવા તેમજ નોકરી દરમિયાન કોઈ પણ પ્રકારની હેરાનગતિ ન કરવાના અવેજરૂપે તબીબી અધિક્ષક ડૉ. રહીમ મેમણે દરેક વિદ્યાર્થી દીઠ રૂ. 5 હજારની ગેરકાયદે માંગણી કરી હતી. આમ, તમામ 8 વિદ્યાર્થીઓ પાસેથી કુલ રૂ. 40 હજારની લાંચની રકમ નક્કી કરવામાં આવી હતી.
જોકે, વિદ્યાર્થીઓ આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે એન્ટી કરપ્શન બ્યુરો નો સંપર્ક કરી સમગ્ર મામલે લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગાંધીનગર ACBની માર્ગદર્શન હેઠળની ટીમે દેવગઢબારીઆ સિવિલ હોસ્પિટલ ખાતે લાંચનું છટકું (ટ્રેપ) ગોઠવ્યું હતું.
આયોજન મુજબ, ફરિયાદી વિદ્યાર્થી જ્યારે ડૉ. રહીમ મેમણને તેમના કાર્યાલયમાં રકમ સોંપવા પહોંચ્યા અને આરોપીએ જેવા ₹૪૦,૦૦૦ની લાંચની રકમ સ્વીકારી, કે તુરંત જ પહેલાંથી જ વોચમાં ગોઠવાયેલી ACBની ટીમે દરોડો પાડીને તેમને રકમ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા.
ACBની આ સફળ કામગીરી બાદ આરોપી તબીબી અધિક્ષકની અટકાયત કરવામાં આવી છે અને તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી ગાંધીનગર ACB દ્વારા કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરકારી હોસ્પિટલના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા જવાબદાર અધિકારી જ આ રીતે લાંચ લેતા પકડાતાં સરકારી વર્તુળોમાં ભારે ચકચાર જાગી છે.
