Dahod: દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં ચાઈનીઝ દોરીના કારણે ઈજાગ્રસ્ત થવાની વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ખાકરીડુગરી ગામના બે યુવકો મોટરસાયકલ પર લીમખેડા તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન અચાનક ચાઈનીઝ દોરી આવી જતા એક યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાએ ફરી એકવાર ચાઈનીઝ દોરીની જીવલેણ સમસ્યાને ઉજાગર કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ખાકરીડુગરી ગામના રાજેશ ડાંગી નામના યુવક પોતાના મિત્ર સાથે મોટરસાયકલ લઈને લીમખેડા આવી રહ્યા હતા. રસ્તા પર કોઈને ખબર પણ ન પડે તે રીતે લટકતી ચાઈનીઝ દોરી અચાનક રાજેશના ચહેરા પર વાગી હતી.
દોરી વાગતા જ યુવકના હોઠના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ભારે રક્તસ્રાવ શરૂ થયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક યુવકને સારવાર માટે લીમખેડાની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં હોસ્પિટલમાં તબીબોએ યુવકની તાત્કાલિક સારવાર હાથ ધરી હતી. ચાઈનીઝ દોરીના કારણે યુવકના હોઠના અંદરના તેમજ બહારના ભાગે ગંભીર ઈર્જા થતા કુલ 15 જેટલા ટાંકા લેવા પડ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર ઈજાઓ ગંભીર હોવા છતાં સમયસર સારવાર મળતા યુવકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ચાઈનીઝ દોરી પર સરકાર દ્વારા પ્રતિબંધ હોવા છતાં હજુ પણ ખુલ્લેઆમ તેનો ઉપયોગ થતો હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકો અને સમાજસેવી સંસ્થાઓએ પ્રશાસન પાસે માંગ કરી છે કે ચાઈનીઝ દોરી વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ સાથે સખ્ત કાર્યવાહી કરવામાં આવે.
આ સાથે દોરી વેચનાર અને તેનો ઉપયોગ કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરી આવા બનાવો અટકાવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે. ચાઈનીઝ દોરીના કારણે માનવજીવન સાથે પક્ષીઓ અને પશુઓ પણ જોખમમાં મુકાઈ રહ્યા હોવાથી તાત્કાલિક પગલાં લેવાં અત્યંત જરૂરી બન્યા છે.
