Dahod News: શહેરના ઠક્કર ફળિયા વિસ્તારમાં આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા હાઈપ્રોફાઈલ જુગારધામ પર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB)ની ટીમે મોડી રાત્રે ઓચિંતી રેડ પાડી હતી. પોલીસે આ સફળ કાર્યવાહી દરમિયાન અંદાજે ₹6.57 લાખથી વધુના મુદ્દામાલ સાથે સ્થળ પરથી 10 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય ત્રણ શખ્સો પોલીસને ચકમો આપી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
ઘરના ત્રીજા માળે ચાલતો હતો હાર-જીતનો ખેલ
મળતી વિગતો અનુસાર, દાહોદ શહેરના ઠક્કર ફળિયામાં આવેલી બંસીલાલની ગલીમાં રહેતા 65 વર્ષીય સલીમખાન સિકંદરખાન પઠાણ પોતાના રહેણાંક મકાનના ત્રીજા માળે બહારથી માણસો બોલાવીને પત્તાપાના વડે મોટેપાયે હાર-જીતનો જુગાર રમાડતા હોવાની ગુપ્ત બાતમી દાહોદ LCBને મળી હતી. બાતમીના આધારે LCBની ટીમે મકાનને ચારેય બાજુથી કોર્ડન કરી ત્રીજા માળે દરોડો પાડ્યો હતો. અચાનક પોલીસને જોઈ જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.
સ્થળ પરથી 10 શખ્સો ઝબ્બે, 3 આરોપીઓ ફરાર
પોલીસે સ્થળ પરથી મકાનમાલિક સલીમખાન સિકંદરખાન પઠાણ સહિત નીચે મુજબના 10 જુગારીઓની અટકાયત કરી હતી.
- સાહિરઅલી ઉર્ફે બાબુભાઈ સૈયદ
- ઈકબાલભાઈ સામદ
- મનુભાઈ પરમાર
- અનિલભાઈ વણઝારા
- વિમલભાઈ પંચાલ
- મુકેશભાઈ અગ્રવાલ
- સિરાજુદ્દીન કાજી
- ઈમ્તિયાઝ પઠાણ
- સનીલાલ મોહનિયા
આ કાર્યવાહી દરમિયાન સોએબ મલેક, શાહરૂખ સામદ અને મુસ્તુફાભાઈ ઉર્ફે ભયલુ લિયાકાતખાન પઠાણ અંધારાનો લાભ ઉઠાવી નાસી છૂટવામાં સફળ રહ્યા હતા.
રોકડ, મોબાઇલ અને વાહનો સહિત ₹6.57 લાખનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે આરોપીઓની અંગઝડતી અને સ્થળ પરથી રોકડ રકમ, 8 મોબાઇલ ફોન તેમજ 5 વાહનો મળી કુલ ₹6,57,340/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
દાહોદ B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો
પોલીસે પકડાયેલા 10 અને ફરાર 3 સહિત તમામ 13 શખ્સો વિરુદ્ધ દાહોદ B-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરની વચોવચ રહેણાંક વિસ્તારમાં ચાલતા આ જુગારધામનો પર્દાફાશ થતાં જ અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.
