Gujarat Politics: દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ધારાસભ્ય રમેશભાઈ કટારાને રાજ્યના નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા રમેશભાઈ કટારાએ પોતાના વિસ્તારના વિકાસ માટે અનેક નોંધપાત્ર કામો કર્યાં છે. ગ્રામિણ વિસ્તારોમાં માર્ગ, પાણી, આરોગ્ય અને શિક્ષણ જેવી સુવિધાઓના વિકાસ માટે તેમણે સતત પ્રયત્નો કર્યા છે.
રમેશભાઈ કટારાનું રાજકીય જીવન નિખાલસતા અને ઈમાનદારી માટે ઓળખાય છે. લાંબા સમયથી તેઓએ દંડક તરીકે પણ ઉત્તમ કામગીરી કરી હતી. વિધાનસભામાં સામાન્ય લોકોના પ્રશ્નોને પુરજોશમાં ઉઠાવી તેઓ હંમેશાં પ્રજાના હિતમાં અવાજ ઉઠાવતા રહ્યાં છે. તેમના કાર્યકાળ દરમિયાન કોઈપણ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા નથી, જે તેમની સ્વચ્છ છબીને વધુ મજબૂત બનાવે છે.
મંત્રી તરીકે સ્થાન મળતાં ફતેપુરા સહિત સમગ્ર દાહોદ જિલ્લામાં આનંદ અને ગૌરવનો માહોલ સર્જાયો છે. સમર્થકો તથા સ્થાનિક નાગરિકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકોમાં એવી આશા વ્યક્ત થઈ રહી છે કે, રમેશભાઈ કટારા મંત્રી તરીકે દાહોદ જિલ્લાના વિકાસ માટે વધુ ઝડપથી પગલાં લેશે અને આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે નવી યોજનાઓને પ્રોત્સાહન આપશે. ભૂપેન્દ્ર પટેલની સરકારમાં રમેશભાઈ કટારાની એન્ટ્રીથી મંત્રીમંડળમાં આદિવાસી વિસ્તારોનું પ્રતિનિધિત્વ વધુ મજબૂત બન્યું છે, જે સરકારના સર્વસમાવેશી વિકાસના અભિગમને ઉજાગર કરે છે.
