દાહોદ નકલી સરકારી કચેરી કૌભાંડ: ED ટીમે 22.70 કરોડની સંપત્તિ ટાંચમાં લીધી, જાણો ઠગોની મોડસ ઓપરેન્ડી

ED ટીમે આ કૌભાંડના મુખ્ય આરોપી અબુ બકર સૈયદની સંપત્તિ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 18 Aug 2026 10:24 AM (IST)Updated: Tue, 18 Aug 2026 10:24 AM (IST)
dahod-fake-government-office-scam-edseizedassets-ofabubakarsayyed
AI Generated Image

Dahod Fake Government Office Scam: ગુજરાતભરમાં ચકચાર જગાવનાર દાહોદના નકલી સરકારી કચેરી કૌભાંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ટીમે મોટી કાર્યવાહી કરી છે. મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ કાર્યવાહી કરતા મુખ્ય સૂત્રધાર અબુબકર ઝાકીરઅલી સૈયદ, તેના પરિવારના સભ્યો અને સહયોગીઓની કુલ રૂ.22.70 કરોડની જંગમ અને સ્થાવર મિલકત જપ્ત કરવામાં આવી છે.

6 નકલી કચેરીઓ અને 121 બોગસ પ્રોજેક્ટ 

તપાસમાં બહાર આવ્યું કે, આરોપીઓએ ષડયંત્ર રચીને સરકારી અધિકારીઓ તરીકે ખોટી ઓળખ ઊભી કરી હતી. તેમણે દાહોદ જિલ્લામાં સિંચાઈ અને જળસંપતિ વિભાગની 6 જેટલી નકલી કચેરી ઊભી કરી હતી. આ બોગસ કચેરીઓ મારફતે આરોપીઓએ સત્તાવાર દેખાતા બનાવટી સહી-સિક્કા અને દસ્તાવેજોનો ઉપયોગ કરીને 121 જેટલા નકલી પ્રોજેક્ટ મંજૂર કરાવી લીધા અને સરકારી તિજોરીમાંથી કરોડોની ગ્રાન્ટ ઓહિયા કરી ગયા હતા.

145 બેંક ખાતાઓની જટિલ માયાજાળ 

આ કૌભાંડના નાણાંની હેરાફેરી કરવા માટે આરોપીઓએ અત્યંત જટિલ નેટવર્કનો ઉપયોગ કર્યો હતો. જેમાં સૌપ્રથમ નાણાં નકલી કચેરીઓના નામેખોલાવેલ 9 બેંક ખાતામાં મેળવવામાં આવ્યા હતા. ત્યારબાદ 18 મધ્યવર્તી ખાતા મારફતે નાણાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. અંતે આ રકમ આરોપીઓ સાથે સંકળાયેલા 118 અન્ય બેંક ખાતામાં વહેંચી દેવામાં આવી.

જપ્ત કરાયેલી કુલ 22.70 કરોડની મિલકત

ED દ્વારા 22.70 કરોડ રૂપિયાની મિલકત ટાંચમાં લેવામાં આવી છે. જેમાં સામેલ સ્થાવર મિલકતમાં વિવિધ વિસ્તારોમાં આવેલા જમીનના 7 પ્લોટ/ટુકડા તથા જંગમ મિલકતમાં મ્યુચ્યુઅલ ફંડ઼માં કરાયેલું રોકાણ અને વિવિધ બેંક એકાઉન્ટમાં જમા રહેલી મોટી રકમનો સમાવેશ થાય છે.

આરોપીઓએ મની લોન્ડરિંગ દ્વારા મેળવેલા આ ગેરકાયદે નાણાંનો ઉપયોગ અંગત મિલકતો ખરીદવા અને મોજશોખ પાછળ કર્યો હતો. હાલમાં દાહોદ ટાઉન ‘A’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR ના આધારે ED ટીમ દ્વારા આ હાઈ-પ્રોફાઈલ કેસમાં ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે.