Dahod News: આંકલીના લાંચિયા સરપંચ રમેશ બારીયા સસ્પેન્ડ, DDO હિરેન બારોટ દ્વારા કડક કાર્યવાહી

સરપંચ રમેશ બારીયાએ દારૂનો કેસ પતાવવા એક ગ્રામજન પાસેથી 50,000 રૂપિયાની લાંચ માંગી હતી.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 27 Oct 2026 06:40 PM (IST)Updated: Tue, 27 Oct 2026 06:40 PM (IST)
dahod-ankli-sarpanch-ramesh-bariya-suspended-acb-bribery-case

Ankali Sarpanch Suspended: દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની આંકલી ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ ભીખાભાઈ બારીયાની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (ACB) દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ, જિલ્લા વિકાસ અધિકારી (DDO) હિરેન બારોટ દ્વારા તેઓને સરપંચ હોદ્દાથી તાત્કાલિક અસરથી મોકૂફ (સસ્પેન્ડ) કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આંકલી ગામના એક ગ્રામજનના ખેતરમાંથી સાગટાળા પોલીસે ઇંગ્લિશ દારૂનો જથ્થો પકડ્યો હતો. આ કેસમાં પોલીસ કાર્યવાહીથી બચાવવા અને મામલો પતાવી દેવાના બહાને સરપંચ રમેશભાઈ બારીયાએ વચેટિયા બનીને ફરિયાદી પાસે 50,000 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ગોધરા ACB નો સંપર્ક કર્યો હતો.

ACB દ્વારા ગોઠવવામાં આવેલ ટ્રેપમાં સરપંચ રમેશ બારીયા 50,000 રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયા અને 8 જુલાઈ 2026 ના રોજ તેમની ધરપકડ કરી દેવગઢ બારીયા સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા હતા. આ પ્રકરણમાં દાહોદ ACB દ્વારા ચાર્જશીટ રજૂ કરાયા બાદ અને પ્રોસિક્યુશન મંજૂરી મળ્યા પછી, જિલ્લા પંચાયત દાહોદ દ્વારા કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે સરપંચને પોતાનો બચાવ રજૂ કરવા માટે 3 વખત રૂબરૂ સુનાવણીની નોટિસ આપી તક આપવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન સરપંચ દ્વારા રજૂ કરવામાં આવેલ દલીલો અને કાયદાકીય જોગવાઈની ચકાસણી કર્યા બાદ, જિલ્લા વિકાસ અધિકારી હિરેન બારોટે નોંધ્યું હતું કે સરપંચ સામે નૈતિક અધઃપતન (Moral Turpitude) દર્શાવતા ગંભીર ગુના હેઠળ ફોજદારી કાર્યવાહી થયેલી છે અને તેઓ 65 દિવસથી વધુ સમય જેલ અટકાયતમાં રહ્યા છે. આથી 'ગુજરાત પંચાયત અધિનિયમ, 1993' ની કલમ-59(1) હેઠળ મળેલી સત્તાની રૂએ જિલ્લા વિકાસ અધિકારીએ આંકલી ગ્રામ પંચાયતના સરપંચ રમેશભાઈ બારીયાને હોદ્દા પરથી મોકૂફ કરવાનો આખરી હુકમ કર્યો છે.