CM ભૂપેન્દ્ર પટેલનો દાહોદ જિલ્લાનો ત્રિ-દિવસીય પ્રવાસ શરૂ, ગરબાડામાં ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કરી જનસંવાદ સાધ્યો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી દાહોદ જિલ્લાના 72 કલાકના ત્રિ-દિવસીય પ્રવાસે પહોંચ્યા છે. ગરબાડામાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્થાનિકો સાથે જનસંવાદ સાધ્યો અને રામનાથ મહાદેવ મંદિરમાં દર્શન કર્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 18 Nov 2026 03:28 PM (IST)Updated: Wed, 18 Nov 2026 03:28 PM (IST)
cm-bhupendra-patel-three-day-dahod-visit-garbada-birsa-munda-tribute-jansamvad

CM Bhupendra Patel Dahod Visit: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજથી દાહોદ જિલ્લાના ત્રિ-દિવસીય (72 કલાકના) વિશેષ પ્રવાસે આવી પહોંચ્યા છે. આ પ્રવાસના પ્રથમ ચરણમાં મુખ્યમંત્રીનું દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે આગમન થયું હતું, જ્યાં સ્થાનિક વહીવટી તંત્ર અને પદાધિકારીઓ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આજથી આગામી ત્રણ દિવસ સુધી મુખ્યમંત્રી 133-ગરબાડા વિધાનસભા મતવિસ્તારના વિવિધ ગામો અને વિસ્તારોની મુલાકાત લઈ વિકાસલક્ષી કામોની સમીક્ષા કરશે.

ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ

ગરબાડા ખાતે પહોંચ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીધા જ બિરસા મુંડા ચોક ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે આદિવાસી સમાજના આરાધ્ય દેવ અને ક્રાંતિવીર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ભાવપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરીને પોતાના 72 કલાકના પ્રવાસ અને નિર્ધારિત કાર્યક્રમોની વિધિવત શરૂઆત કરી હતી. આ પ્રસંગે સમગ્ર વિસ્તારમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકો સાથે વાતચીત કરી

પોતાની સરળ અને સહજ કાર્યશૈલી માટે જાણીતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિરસા મુંડા ચોક ખાતે ઉપસ્થિત રહેલા સ્થાનિક નાગરિકો, આગેવાનો અને કાર્યકરો સાથે સીધો જનસંવાદ સાધ્યો હતો. લોકોની વચ્ચે જઈને મુખ્યમંત્રીએ તેમના ખબર-અંતર પૂછ્યા હતા અને સ્થાનિક પ્રશ્નો તેમજ જરૂરિયાતો અંગે હળવાશભર્યા અંદાજમાં વાતચીત કરી હતી. મુખ્યમંત્રીને પોતાની વચ્ચે જોઈને ગ્રામજનોમાં પણ વિશેષ આનંદ જોવા મળ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકારના મંત્રીઓ, સ્થાનિક ધારાસભ્ય, દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિત સંગઠનના વિવિધ હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તમામ નેતાઓએ પણ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી વંદન કર્યા હતા.

રામનાથ મહાદેવની કરી ખાસ મુલાકાત

બિરસા મુંડા ચોક ખાતે પુષ્પાંજલિ અને લોકસંવાદના કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગરબાડા સ્થિત પૌરાણિક અને આસ્થાના કેન્દ્ર એવા શ્રી રામનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરવા માટે રવાના થયા હતા. અહીં તેઓ દેવાધિદેવ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના કરીને રાજ્યની સુખાકારી અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરશે.

છેવાડાના ગામોમાં જઈને કરશે સમીક્ષા

ઉલ્લેખનીય છે કે, આજથી શરૂ થયેલા આ 72 કલાકના મેરેથોન પ્રવાસ દરમિયાન મુખ્યમંત્રી 133-ગરબાડા વિધાનસભા મતવિસ્તારના છેવાડાના ગામો સુધી પહોંચીને સરકારી યોજનાઓની અમલવારી, વિકાસના કામોની પ્રગતિ અને જનતાની અપેક્ષાઓનો સીધો તાગ મેળવશે, જેને લઈને સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રમાં ભારે સક્રિયતા જોવા મળી રહી છે.