CM Bhupendra Patel Dahod Visit: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની દાહોદ જિલ્લાની મુલાકાતનો આજે ત્રીજો દિવસ રહ્યો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ ગ્રામીણ વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને છેવાડાના માનવીના પ્રશ્નો સાંભળ્યા હતા અને તેના ત્વરિત નિરાકરણ માટે વહીવટી તંત્રને કડક સૂચનાઓ આપી હતી.
CM પટેલે ચાંદાવાડાની મુલાકાત લીધી
ત્રીજા દિવસના પ્રવાસની શરૂઆતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ તાલુકાના ચાંદાવાડા ગામની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધીને તેમના સ્થાનિક પ્રશ્નો, પ્રાથમિક સુવિધાઓ અને વિકાસકામો અંગેની સમસ્યાઓ શાંતિથી સાંભળી હતી. ગ્રામજનોની રજૂઆતોને ધ્યાને લઈ મુખ્યમંત્રીએ સ્થળ પર જ ઉપસ્થિત અધિકારીઓને આ સમસ્યાઓનું સત્વરે નિરાકરણ લાવવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
બાવકા ખાતે જન સુનાવણી યોજાઈ
ચાંદાવાડા ગામની મુલાકાત પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી બાવકા ગામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમના અધ્યક્ષસ્થાને વિશેષ જન સુનાવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જન સુનાવણીમાં જિલ્લાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ અરજદારો અને ગ્રામજનોના પ્રશ્નો સાંભળીને, લોકોના સ્થાનિક પ્રશ્નોનો તાત્કાલિક ધોરણે અને હકારાત્મક નિકાલ કરવા માટે તમામ વિભાગના અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશ આપ્યા હતા.
ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગરબાડા તાલુકાના ઐતિહાસિક પાટાડુંગરી ડેમ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમણે ડેમની વર્તમાન પરિસ્થિતિ, જળસંગ્રહ અને સિંચાઈ વ્યવસ્થા અંગે ઝીણવટભરી સમીક્ષા કરી હતી. સમીક્ષા કર્યા બાદ પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતા મુખ્યમંત્રીના હસ્તે ડેમ પરિસરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
અધિકારીઓ અને ખેડૂતો સાથે મહત્વપૂર્ણ બેઠક
પાટાડુંગરી ડેમ ખાતે મુખ્યમંત્રીએ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક ખેડૂતો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી હતી, જેમાં સિંચાઈના પાણી અને ખેતીલક્ષી પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત, મુખ્યમંત્રીએ ડેમ પર નિર્ભર સ્થાનિક માછીમારો સાથે પણ વિશેષ બેઠક યોજીને તેમના વ્યવસાય, રોજગારી અને કલ્યાણકારી યોજનાઓના લાભો અંગે વિસ્તૃત સંવાદ કર્યો હતો. મુખ્યમંત્રીની આ સતત ત્રીજા દિવસની ગ્રામીણ મુલાકાતથી દાહોદ જિલ્લાના નાગરિકો, ખેડૂતો અને માછીમારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
