Coldplay In Ahmedabad: આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેનો કોન્સર્ટ યોજાશે. આ માટે સિંગર અને પિયાનિસ્ટ ક્રિસ માર્ટિન અમદાવાદ આવ્યા છે અને ITC નર્મદા હોટેલમાં રોકાયા છે. આ ઉપરાંત ગિટારિસ્ટ જોની બકલેન્ડ, બાસિસ્ટ ગાય બેરીમેન, ડ્રમર અને પર્ક્યુશનિસ્ટ વિલ ચેમ્પિયન અને મેનેજર ફિલ હાર્વે પર્ફોમરો આજે બપોરે અમદાવાદ આવીને સીધા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જશે. મહત્ત્વનું છે કે, આ કોન્સર્ટને પગલે શહેર પોલીસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ગઈકાલે સાંજે અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ મલિકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થા સહિતની બાબતોનું નિરિક્ષણ કર્યું હતું.
મહત્ત્વનું છે કે અમદાવાદ પોલીસના JCP, નીરજ કુમાર બડગુજરે જણાવ્યા મુજબ, કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન 3,800થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG)ની એક ટીમ કોલ્ડપ્લે કોન્સર્ટ માટે મુખ્ય સ્થળોએ તહેનાત રહેશે. 400 થી વધુ સીસીટીવી કેમેરાનું નેટવર્ક બનાવવામાં આવ્યું છે. NSGની એક ટીમ સાથે ત્રણ ક્વિક રિસ્પોન્સ ટીમ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની એક ટીમ અને બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડની દસ ટીમો મુખ્ય સ્થળોએ તહેનાત કરવામાં આવશે.
25-26 જાન્યુઆરીએ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત/ડાયવર્ઝન વાળો માર્ગ
- જનપથ ટી થી મોટેરા સ્ટેડીયમ મુખ્ય ગેટ થઇ કૃપા રેસીડેન્સી ટી થઇ મોટેરા ગામ ટી સુધીનો જતો-આવતો માર્ગ વાહનોની અવર-જવર માટે પ્રતિબંધિત રહેશે.
વૈકલ્પિક માર્ગની વિગત
- તપોવન સર્કલથી ઓ.એન.જી.સી. ચાર રસ્તાથી વિસત ટી થી જનપથ ટી થઇ પાવર હાઉસ ચાર રસ્તા થઇ પ્રબોધરાવળ સર્કલ સુધીના જતા-આવતા માર્ગ પરથી અવર-જવર કરી શકાશે.
- કૃપા રેસીડેન્સી ટી થઇ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઇ ભાટ કોટેશ્વર રોડ થઇ એપોલો સર્કલ તરફ અવર-જવર કરી શકાશે.
