છોટાઉદેપુર: સંખેડા-બહાદરપુર ઓવરબ્રિજ પર ગમખ્વાર અકસ્માત, એકસાથે બે પરિવારોની દીકરીઓએ ગુમાવ્યો જીવ

છોટાઉદેપુરના સંખેડા-બહાદરપુર ઓવરબ્રિજ પર 108 એમ્બ્યુલન્સ અને એક્ટિવા વચ્ચે ભીષણ અકસ્માતમાં બે યુવતીઓનાં ઘટનાસ્થળે મોત થયાં. જાણો સમગ્ર ઘટનાની વિગતો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 24 Nov 2026 10:18 AM (IST)Updated: Tue, 24 Nov 2026 10:18 AM (IST)
sankheda-bahadurpur-bridge-accident-108-ambulance-two-women-killed

Chhota Udepur Accident: છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલા સંખેડા-બહાદરપુર ઓવરબ્રિજના છેડે ગતરોજ એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. દર્દીઓનો જીવ બચાવવા માટે દોડતી 108 એમ્બ્યુલન્સ અને એક્ટિવા વચ્ચે સર્જાયેલી જોરદાર ટક્કરમાં ટુ-વ્હીલર પર સવાર બે આશાસ્પદ યુવતીઓએ ઘટનાસ્થળે જ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા. આ ગોજારા બનાવને પગલે સમગ્ર સંખેડા પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે.

108ની ટક્કરે બે યુવતીના મોત

મળતી વિગતો અનુસાર, બંને યુવતીઓ સિવણ ક્લાસ પૂર્ણ કરીને એક્ટિવા પર સવાર થઈ પોતાના ઘર તરફ પરત ફરી રહી હતી. તે દરમિયાન સંખેડા-બહાદરપુર બ્રિજ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી 108 એમ્બ્યુલન્સ સાથે તેમના વાહનની ભીષણ ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા પર સવાર બંને યુવતીઓ રોડ પર ફંગોળાઈ ગઈ હતી અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

ઘટનાની જાણ થતાં સ્થાનિકો મદદે આવ્યા

આ કરૂણ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર યુવતીઓની ઓળખ છુછાપુરા ગામના રહેવાસી દક્ષાબેન અજયભાઈ તડવી (ઉંમર 27 વર્ષ) અને બહાદરપુરના રહેવાસી કલ્યાણીબેન પ્રશાંતભાઈ દેસાઈ (ઉંમર 28 વર્ષ) તરીકે થઈ છે. અકસ્માતનો પ્રચંડ અવાજ સાંભળીને આસપાસના રાહદારીઓ અને સ્થાનિક રહીશો તાત્કાલિક મદદ માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પરંતુ, ગંભીર ઈજાઓને કારણે બંને યુવતીઓએ અંતિમ શ્વાસ લઈ લીધા હોવાથી સ્થળ પર હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.

યુવતીઓના શબને પીએમ માટે ખસેડ્યા

બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારબાદ બંને યુવતીઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે સંખેડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ ખાતે મૃતકોના પરિવારજનો અને ગ્રામજનોના ટોળેટોળા ઉમટી પડતા ભારે કરૂણ દ્રશ્યો સર્જાયા હતા.

હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને આ દુર્ઘટના કયા સંજોગોમાં અને કોની બેદરકારીથી સર્જાઈ તે દિશામાં ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. એકસાથે બે પરિવારોની દીકરીઓના અકાળે અવસાનથી સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.